રક્ષાબંધન એટલે ભાઈ બહેનનું મિલન એટલે પ્રેમ અને સંયમનો સહયોગ, નિ:સ્વાર્થ સંબંધની અદભુત ઘટના

રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને ને રક્ષાબંધન બળેવના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું કે રક્ષાબંધન એ ભાઈબહેનના સંબંધોમાં સુગંધ ભરતો ઉત્સવ, બ્રાહમણોનો યજ્ઞોપવિત બદલાવવાનો ઉત્સવ, કર્મનિષ્ઠ વેપારીઓનો સમુદ્ર પુજનનો ઉત્સવ. આ ત્રણ ઉત્સવોનો ત્રીવેણી સંગમ એટલે જ શ્રાવણી પૂર્ણિમા  રક્ષાબંધન. રક્ષાબંધનના પર્વે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધીવાની સાથોસાથ ભાઈના હૃદયને પણ પ્રેમથી બાંધે છે. ભાઈબહેનનું મિલન એટલે પ્રેમ અને સંયમનો સહયોગ, નિ:સ્વાર્થ સંબંધની અદભુત ઘટના.પોતાની બહેનની અનિષ્ટ તત્વોથી રક્ષણનું છત્ર આપવાની ખાતરી આપતો ભાઈ આ દિવસે બહેન પાસે રક્ષા રૂપે હાર્દિક શુભેચ્છાઓ મેળવે છે.

વૈદિક કાળથી રક્ષાબંધનના પાવન પર્વે ભુદેવો જનોઈ બદલાવે છે. આ ત્રિસૂત્રી અને ગ્રંથિની બ્રહમગાંઠ એટલે કે ઋણવેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવવેદ. આ ચારેય વેદને જનોઈ ઘ્વારા ધારણ કરાય છે. જે વેદાભ્યાસ તરફ વળવાની પ્રેરણા આપે છે.આ ત્રિસૂત્ર એ બ્રહમા, વિષ્ણુ અને મહેશ અને તેમના જ્ઞાન, ભકિત અને કર્મના પણ પ્રતીક સમાન છે. માનવે આ ત્રણેય ને પોતાના જીવનમાં આત્મસાત કરવા જોઈએ. જનોઈ ધારણ કરતી વખતે કે બદલતી વેળા જમીનની માટીની વંદના કરીએ. ધરતીમાતા તથા માતૃભુમિને પ્રણામ કરાય છે. યજ્ઞોપવિત એ વેદિક રાષ્ટ્રીય સંદેશ છે. એમ અંતમાં ભાઈબહેનના સ્નેહના આ અતિ પવિત્ર પર્વ રક્ષાબંધનની સર્વે ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.