બહારગામના યાત્રિકો, દર્દીના સંબંધીને રહેવા માટે નિ:શુલ્ક સુવિધા: જયાબેન પરસોત્તમભાઈ ડઢાણિયાના હસ્તે ભૂમિપૂજન

પટેલ સેવા સમાજ-રાજકોટ સંચાલિત ૪૧, ન્યુ જાગનાથ પ્લોટ સ્થિત પટેલ નરશીભાઈ ધરમશીભાઈ કણસાગરા પટેલ સમાજનું રૂપિયા ૬ કરોડને ખર્ચે થનારા નવસંસ્કરણનું આજે સમાજ અગ્રણી પરસોતમભાઈ ડઢાણિયા તથા તેમના પત્ની જયાબેનના હસ્તે ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આજથી પાંચ દાયકા પહેલા સૌરાષ્ટ્રમાં વસતા સમાજની જરૂરીયાત ધ્યાને લઈ સમાજના અગ્રેસરોએ બહારગામથી આવતા દર્દી અને તેના સગા તથા યાત્રિકોના રહેવા માટે રાજકોટમાં સુવિધા ઉભી કરી હતી તે સમયે કણસાગરા પરિવાર (ફિલ્ડમાર્શલ)એ મુખ્યદાતા બન્યા હતા અને આ સંકુલનું નિર્માણ થયું હતું. હવે સમય-સંજોગો બદલાતા આ સ્થળે નૂતન ઈમારતનું નિર્માણ કરવા પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલે નિર્ણય કર્યો હતો.

અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)એ જણાવ્યું હતું કે, પરિવારોની જરૂરીયાતોને ધ્યાને લઈ વિવિધ કાર્યો વિઝન-૨૦૨૪ અંતર્ગત નકકી કર્યા છે તે પૈકી આ પ્રથમ ચરણના કાર્યનું ભૂમિપૂજન આજે સંપન્ન થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ૪૧, ન્યુ જાગનાથ પ્લોટ પટેલ સમાજનું રૂપિયા ૬ કરોડને ખર્ચે નવસંસ્કરણ થશે. કુલ પાંચ માળની ઈમારતમાં દર્દીઓના ઉતારાની નિ:શુલ્ક સુવિધા તો ચાલુ જ રહેશે. ઉપરાંત યાત્રિક સવલત પણ યથાવત ચાલુ રહેશે. સાથોસાથ સમાજની વર્તમાન જરૂરીયાતને ધ્યાને લઈ સમાજની વર્કિંગ વૂમન માટે અલાયદા ૨૨ રૂમની સુવિધા પણ નૂતન ઈમારતમાં ઉભી કરાશે.

અરવિંદભાઈએ કહ્યું હતું કે, વર્તમાન જીવન ધોરણને ધ્યાને લઈ તમામ રૂમ વાતાનુકુલિત બનાવાશે તો વિકસતા રાજકોટમાં પાર્કિંગના પ્રશ્ર્નો ઉભા થયા છે તે ધ્યાને લઈ ૪૨૦૦ ચો.ફુટથી વધુ જગ્યા ધરાવતા બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા બનાવાશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં પટેલ સેવા સમાજના ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ, કિશોરભાઈ ઘોડાસરા, પ્રભુદાસભાઈ કણસાગરા, મગનભાઈ ધીંગાણી, જયંતીભાઈ કાલાવડિયા, વિઠ્ઠલભાઈ ઝાલાવડિયા, વલ્લભભાઈ પટેલ, મનિષભાઈ ચાંગેલા ઉપસ્થિત રહ્યા હતા. ભગીની સંસ્થા પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી અશોકભાઈ કાલાવડીયા તથા અમુભાઈ ડઢાણિયા, કારોબારી સદસ્યો કાંતીભાઈ મકાતી, રમેશભાઈ વરાસડા, સંજયભાઈ કનેરિયા, જગદીશભાઈ પરસાણીયા, ભગવાનજીભાઈ કનેરીયા, ચેતનભાઈ રાછડિયા, મગનભાઈ વાછાણી, સમાજના અગ્રેસરો છગનભાઈ ભોરણીયા, બાલુભાઈ મોટેરીયા, સંજયભાઈ ઉંઝીયા, પટેલ સેવા સમાજની સંગઠન ટીમના મેહુલભાઈ ચાંગેલા, વિનુભાઈ લાલકીયા, વિનુભાઈ ઈસોટીયા, કપિલભાઈ પરસાણીયા, ડેનીશભાઈ કાલરીયા, વિજયભાઈ ગોધાણી, હરેશભાઈ પાડલીયા, રતિલાલ દુદાણી તથા નરેન્દ્રભાઈ ડઢાણિયા તેમજ સંસ્થાની મહિલા સંગઠન ટીમના હેતલબેન કાલરીયા, અંજુબેન કણસાગરા, કિરણબેન માકડિયા, ગીતાબેન સાપરીયા, હર્ષિદાબેન કાલરીયા, જાગૃતિબેન હુડકા, નીતાબેન પરસાણીયા, હર્ષિદાબેન કાસુન્દ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.