• આંતકવાદી હુમલાની જાણ થતા જ ચેતક કમાન્ડો ફોર્સ, પોલીસ કાફલો, મરીન ટાસ્ક ફોર્સ સહિતની એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચી હુમલાને નિષ્ફળ બનાવ્યો
  • આંતકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ, હોસ્પિટલ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારૂ સંકલનથી સુરક્ષા-બચાવની કામગીરી માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રિલનું આયોજન
  • હુમલામાં ઘાયલ 15 નાગરિકો, 2 એસઓજી જવાન તથા એક સિકયોરીટી ગાર્ડને સારવાર અર્થે ખસેડાયા

કચ્છના મુખ્યમથકની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ગઈકાલે સાંજે 6 વાગ્યે 4 ત્રાસવાદીઓએ 5 હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આંતકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું. આંતકવાદીઓ સામે પાંચ કલાક જડબાતોડ કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએ સયુંક્ત કામગીરીમાં ચાર આંતકવાદીને ઠાર કર્યા બાદ પાંચ બંધકોને સહીસલામત બચાવી હુમલાને નાકામ કર્યો હતો. જો કે, આ આંતકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા – બચાવની કામગીરી માટે આ આયોજીત મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

સાંજે છ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં થયેલા આંતકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યોરીટી સ્ટાફ દ્વારા 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તત્કાલ અસરથી કવીક રિસપોન્સ ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોકલીને ગણતરીના સમયમાં જી.કે જનરલ હોસ્પિટલને સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હુમલાને પગલે ગાંધીનગર ખાતેની ચેતક કમાન્ડો ફોર્સ, મરીન ટાસ્ક ફોર્સ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત – બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઇ હતી. હુમલાના દોઢ કલાકમાં એરકાફ્રટમાં ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સે હુમલાને નાકામ બનાવવા ઇન્સીડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરીને સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું. જેમાં આંતકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા ચેતક કમાન્ડો ફોર્સે અંતે ચાર આંતકવાદીને ઠાર કર્યા હતા. આ સાથે તમામ પાંચ બંધકોને સહીસલામત મુકત કરાવવામાં બે ડીવાયએસપી, 3 પી.આઇ સાથે 55 જવાનો સાથેની ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી.

અધિકારીઓ દ્વારા આંતકવાદીઓ પાસે સમય આપવાની માંગણી સાથે ફોનથી સતત સંપર્ક જાળવી રાખી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આ દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલી એસઓજીએ ચાર આતંકવાદીઓ પૈકી એકને ઠાર કર્યો હતો. ચેતક કમાન્ડ ફોર્સની બ્લુટીમ જે બચાવ ટીમની ભુમિકામાં હતી તેણે કોલ આવતા જ ઘટના સ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી. ગોળીબાર તથા બોમ્બ બ્લાસ્ટના સીલસીલાબંધ સંઘર્ષ બાદ અંતે બાકીના ત્રણ આંતકવાદીને ઠાર કરવામાં ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી. ચારે મૃતક આંતકવાદીઓની બોડી પોલીસને સોંપવામાં આવી હતી.

આ હુમલામાં ઘાયલ થયેલા 15 નાગરિકો, બે એસઓજીના જવાન તથા એક સિક્યોરિટી ગાર્ડને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સલામત હોસ્પિટલે ખસેડાયા હતા.

આ આંતકવાદી હુમલાની મોકડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, હોસ્પિટલ સિકયોરીટી, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી. સમગ્ર મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સના કમાન્ડર ડીવાયએસપી બી.કે.ગુંદાણી, ડી.વી.ગોહિલની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ મોકડ્રિલ દરમિયાન ઉપસ્થિત ડીવાયએસપી એ.ઝનકાત, ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને મોકડ્રિલમાં ભાગ લેનાર ચેતક કમાન્ડો ફોર્સ, તમામ સુરક્ષા એજન્સીઓ, હોસ્પિટલ સ્ટાફ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા તથા મોકડ્રિલને સફળ ગણાવી સરકારની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો.

મોકડ્રીલ દરમિયાન ડીવાયએસપી પાર્થ ચોવટીયા, એસઓજી પી.આઇ. વિનોદ ભોલા, મરીન ટાસ્ક ફોર્સના પી.આઇ આર.ડી.ઝાલા સહિતના અધિકારીઓ તેમની ટીમ સાથે જોડાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.