કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ
તબીબો, નર્સો અને પેરા મેડિકલ સ્ટાફની સરાહના સાથે ચિંતા વ્યકત કરી
સમગ્ર ભારતમાં ભયાનક કોરોના નું મોજું ફરી વળ્યુ છે અને છેલ્લા અઠવાડિયાથી કેસોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે છેલ્લા તેર મહિનાથી વધુ સમયથી કોરોનાના દરદીઓને સેવામા વિવિધ સ્વરૂપે કાર્યરત કોરોના વોરિયર્સની સેવાઓને પણ સલામ કરવાના બદલે તેમની બદલીઓ અને યેનકેન પ્રકારે તેમના મનોબળ તોડવાનું કૃત્ય બંધ કરવું જોઈએ તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ અખબારી અહેવાલમા જણાવ્યું હતું. દનીચાએ જણાવ્યુ હતુ કે, કોરોના વોરિયસની તીવ્ર ગતિની સામે તબીબો, નર્સિંગ સ્ટાફ , કમ્પાઉન્ડરો, 108ના ચાલકો અને તેમની ટીમો, સફાઈ કામદારો, દર્દીઓ અને તેમના સ્વજન માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં કાર્યરત્ સેવાકીય પ્રવૃતિઓ કરતાં સાચા સેવા સેવકોની પીઠ થપથપાવી અને પ્રોત્સાહિત કરવા જોઈએ તેના બદલે હોસ્પિટલની અપૂરતી વ્યવસ્થા અંગે અથવા દવાઓ, ઓક્સીજન, ઈન્જેકશન, બેડ અથવા પ્રાથમિક સુવિધા ઊભી કરવા પ્રશાસન પાસે રજૂઆત કરતાં આવા વોરિયર્સની સરકાર દ્વારા બદલી કરવામાં આવે છે અથવા યેનકેન પ્રકારે કનડગત કરવામાં આવે છે જે નિંદનીય છે.
થોડા દિવસો અગાઉ ભુજની જી. કે. હોસ્પિટલમાં લાશોના નિકાલ બાબતે વિડિયો વાયરલ થયો હતો જેને લઈને હોસ્પિટલના સ્ટાફને ઉગડો લેવામાં હતો. પરંતુ આ સ્ટાફ દ્વારા આ અન્યાય સામે અવાજ ઉઠાવી ધરણાં યોજી વિરોધ કર્યો હતો. જેના કારણે પ્રશાસને પુન: તેમને ફરજ પર લેવા પડયા હતા. તેજ રીતે કચ્છ જિલ્લાના ગામડાઓમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર કાર્યરત તબીબો અને સ્ટાફને જે તે જગ્યાએ સ્ટાફની ઘટ હોવા છતાં અચાનક અન્યત્ર બદલી કરી દેવામાં આવતા સ્થાનિક લોકો ને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.
સામાન્ય રીતે કચેરીમાં કે વ્યવસાયના સ્થળે કામ કરતી વ્યક્તિની ફરજનો સમય 8 કલાકનો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં તબિબો અને નર્સો 18 થી 20 કલાક પી.પી.ઇ.કીટ પહેરીને કામ કરી રહ્યા છે. પી.પી.ઇ.કીટ પહેર્યા પછી અંદર કેટલી ગુગણામણ, બફારો અને મૂંઝારો થાય છે તે અકલ્પનીય અને અસહ્ય હોય છે.
કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા અનેક તબીબી આપણે ગુમાવ્યા પણ છે તો અસંખ્ય તબીબો છેલ્લા એક વર્ષથી પોતાની ફેમિલી લાઇફ ગુમાવી છે ત્યારે ખરેખર સલામ છે સ્વાસ્થ્ય કર્મીઓને જે ભૂખ, તરસ, થાક ભુલાવી અને સતત લોકોના જીવ બચાવવા લાગેલા છે. આથી જીવ જોખમમાં મૂકી સતત કોરોનાના દર્દીઓની સેવા કાર્ય કરતાં કોરોના વોરિયર્સ પણ માનવી જ છે. તેમને માનસિક રીતે અસ્થિર ન કરી તેમની સેવાઓને બિરદાવી જોઈએ. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવતા તબીબો, નર્સો અને પેરા મેડિકલ સાચા અર્થમાં દેવદૂત છે તેવું ગોવિંદ દનીચા એ જણાવ્યુ હતું.