ચણા અને જીરૂ ખરીદ કરી પેમેન્ટ ન ચૂકવી ભૂજની પેઢી બંધ કરી ‘ઠગ’ પલાયન
ધ્રોલ નજીક આવેલા જાળીયાના વેપારીએ રાજકોટ બેડી માકેર્ટીંગ યાર્ડના વેપારી દ્વારા ભૂજની આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢીને રૂ.૧૭.૬૬ લાખની કિંમતના ચણા અને જીરૂનું વેચાણ કર્યા બાદ પેમેન્ટ ન ચુકવી પેઢી બંધ કરી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિત મુજબ ધ્રોલ તાલુકાના જાળીયા (માનસર) ગામે રહેતા ગોરધનભાઇ ગોકળભાઇ બેબીયાએ ભૂજની શાંતિ ચેમ્બરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી આશાપુરા એન્ટરપ્રાઇઝના માલિક કનુભાઇ ડાયાભાઇ પટેલ સામે રૂ.૧૭.૬૬ લાખની ઠગાઇ કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગોરધનભાઇ પટેલે ગત તા.૯-૫-૧૮ના રોજ મોરબી રોડ પર આવેલા બેડી ખાતેના માકેર્ટીંગ યાર્ડની સાવન ટ્રેડીંગ નામની પેઢી દ્વારા ભૂજની આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના કનુભાઇ પટેલને રૂ.૧૭.૬૬ લાખની કિંમતના ચણા અને જીરૂ વેચાણ કર્યા બાદ કનુ પટેલે પેમેન્ટ ન ચુકવી પેઢી બંધ કરી ફરાર થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. વી.પી.આહિર સહિતના સ્ટાફે ભુજના કનુ પટેલ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.