સ્ટેશન ભવનનું મોડલ કચ્છના રણની થીમ પર આધારિત હશે: આ અત્યાધુનિક સ્ટેશન યાત્રીઓને એક સમૃદ્ધ યાત્રાનો અનુભવ કરાવશે
રેલવે સ્ટેશનોને માત્ર સેવા સાધન તરીકે નહીં, પણ એક પરિસંપત્તિના રૂપમાં બદલવાના અને વિકસિત કરવાના વડાપ્રધાનના વિઝન અનુસાર ભારતીય રેલએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે દેશભરમાં 1275 સ્ટેશનોની ઓળખ ઊભી કરી છે. ઉલ્લેખનીય છે કે આમાં 87 સ્ટેશન ગુજરાત રાજ્યમાં છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યાનુસાર ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને ભારતીય રેલ દ્વારા કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. એથી સુખદ વાતાવરણ ઊભું થશે. ન્યૂ ભુજ સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે જે ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટેશનને 179.87 કરોડ રૂપિયાના મંજૂર કરાયેલા ખર્ચે એક અત્યાધુનિક સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તે 24 મહિનામાં પૂરું કરવાનું ધ્યેય છે.
આ કામ માટે એન્જિનિયરિંગ ખરીદ અને નિર્માણ (ઇપીસી) પ્રદાન કરવામાં આવ્યું છે અને સાઇટ સર્વે, જિયો ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન અને યુટિલિટી મેપિંગનું કામ પૂર્ણ થઇ ગયું છે. બૈચિંગ પ્લાન્ટ લગાવવાનું અને ફેબ્રિકેશન યાર્ડનું કામ આગળ વધી રહ્યું છે. વેઇટિંગ રૂમ વગેરેને બદલવા માટે કામચલાઉ માળખાનું નિર્માણ આ મહિનાના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. તે પછી મુખ્ય ભવનને પાડવાની કામગીરી કરાશે.
આ યોજનામાં અલગ અલગ આગમન/પ્રસ્થાન, યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસરમાં ભીડમુક્ત અને સરળ પ્રવેશ/નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે. પ્લેટફોર્મો પર ભીડથી બચવા માટે યાત્રીઓ માટે સુખ-સુવિધાથી ભરપૂર પૂરતા કોનકોર્સ/પ્રતીક્ષા સ્થળ હશે. સ્ટેશનનું મુખ્ય ભવન લગભગ 970 ચો.મી.નું હશે, જેમાં સર્ક્યુલેશન, કોનકોર્સ અને વેઇટિંગ સ્પેસ માટે પૂરતી જગ્યા હશે. કોનકોર્સ એરિયા 3240 ચો.મી.માં વિસ્તરેલો હશે.
આખા સ્ટેશન પરિસરમાં વાઇફાઇ કવરેજ મળશે. રેલવે સ્ટેશન દિવ્યાંગજનો માટે સુવિધાઓ ધાવતું હશે, જેમાં 13 લિફ્ટ અને 10 એસ્કેલેટર સામેલ છે જે આને 100% દિવ્યાંગોને અનુકૂળ બનાવશે. ઊર્જા, પાણી અને અન્ય સંસાધનો વગેરેના ઉપયોગ માટે સુવિધાઓ સાથે સ્ટેશન ભવન ગ્રીન ભવન હશે. વધારે સારા સ્ટેશન પ્રબંધન માટે નવું સ્ટેશન ભવન ખૂબ સમજી-વિચારીને ડિઝાઇન કરવામાં આવેલી વિશેષતાથી સભર અત્યાધુનિક સુરક્ષા તેમ જ સંરક્ષા વ્યવસ્થાઓથી ભરપૂર હશે. લગભગ 300 ટુ-વ્હીલર્સ, 50થી વધારે ફોર-વ્હીલર્સ અને ઓટો રિક્સાને સમાવવા માટે પાર્કિંગ સુવિધાને અપગ્રેડ કરવામાં આવશે.