- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ‘‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’’ ૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં મહેંદી સ્પર્ધાનું આયોજન
ભુજ ન્યૂઝ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલા ૧૫ દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે આજરોજ સમગ્ર જિલ્લામાં આંગણવાડીની બહેનો દ્વારા તેમજ વિવિધ શાળા કોલેજો દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન થયું હતું.આ આયોજનમાં ભાગ લેનાર બહેનોએ મતદાન જાગૃતિ વિષયક થીમ ઉપર આધારિત સુંદર મહેંદીની ડિઝાઈનો પોતાના હાથ ઉપર દર્શાવીને મતદાન જાગૃતિનો સંદેશ વહેતો મૂક્યો હતો. આજના આ મહેંદી કાર્યક્રમને લઈને મહિલા મતદારોમાં અનેરો ઉત્સાહ જણાયો હતો અને સૌ ભાગ લેનાર મહિલાઓએ અચૂક મતદાન કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.આજના આ કાર્યક્રમને સફળ બનાવવા ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રી અને તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિના નેજા હેઠળ SVEEP નોડલ અધિકારી બી.એમ.વાઘેલા, મદદનીશ નોડલ જી.જી.નાકર, શિવુભા ભાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
નવીનગીરી ગોસ્વામી