આરોપીઓને પાલારા જેલના હવાલે કરાયા
ભુજ તાલુકાના કાળી તલાવડીના પૂર્વ સરપંચની રાજકીય અદાવતમાં થયેલી હત્યા પ્રકરણના ૪ આરોપીઓને ભુજ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે..આરોપીઓને પાલારા જેલના હવાલે કરવામાં આવ્યા છે રાજકીય અદાવતમાં ભુજ તાલુકાના કાળી તલાવડીના માજી સરપંચની થયેલી હત્યામાં ભુજની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા પિતા પુત્રો સહિત ચારને આજીવન કેદની સજા સંભળાવી છે.
ભુજની કાળી તલાવડીના પુર્વ સરપંચ રણધીરભાઈ બેચુભાઈ બરાડીયાની ઘાતકી હત્યા નિપજાવ્યા બદલ સેશન્સ કોર્ટે ચાર લોકોને આજીવન કેદ અને ૫-૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. સાથે જ મૃતકના પરિવારોને ૧ લાખ રૂપિયાનું વળતર આપવા જણાવ્યું છે. કાળી તલાવડીના પુર્વ સરપંચની રાજકીય વેરઝેરમાં ૨૮ જુન ૨૦૧૫ના રોજ કરપીણ હત્યા કરી દેવાઈ હતી.
ગામના જ રાઘુ ગોવિંદ નાગર તેના ભાઈ રમેશ ગોવિંદ નાગર અને રાઘુ ડાંગરના પુત્ર પ્રકાશ તેમજ પ્રવિણે રણધીરની હત્યા કરી હતી. રણધીર કાલી તલાવડી અને પદ્ધર નજીક આવેલી વાડીમાં હતો, ત્યારે આરોપીઓએ પહોંચીને તલવાર છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. અને પેટના ભાગે તેમજ છાતીના સહિતના ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું.
જો કે હત્યા કર્યા બાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. અને તેની લાશને સળગાવીને પુરાવાઓ નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મૃતક રણધીરના ભત્રીજા અરવિંદ રવજી બરાડીયા ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આરોપીઓને હથિયારો સાથે નાસી જતા જોઈ ગયો હતો. અને તેણે જ ૮ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર અજાણ્યા આરોપીઓની કોઈ સંડોવણી ન હોવાનું બહાર આવ્યું હતું. આજે ભુજના ચોથા અધિક સેશન્સ જજે ચારેય આરોપીઓને દોષી ગણીને આજીવન કેદની સજા ફટકારી હતી.