જીવામૃત-દેશી ખાતરના ઉપયોગથી ખેતીને કેમિકલયુક્ત ઝેરી પદાર્થમાંથી મુક્તિ અપાવવા ખેડૂતો પ્રતિબધ્ધ
ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાન ખુબ જ સાતત્યપુર્વક આગળ વધી રહ્યું છે. ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ થયેલ આ અભિયાનમાં સતત નવા પ્રયોગો સાથે સફળ થયેલ પ્રગતિશીલ ખેડુતોના અનુભવનો લાભ અભિયાનમાં જોડાયેલ અન્ય ખેડુતોને પણ મળે તે હેતુથી પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન થયેલ હતું.
આ પ્રવાસમાં ગામ નારણપરના અરવિંદભાઈ સેંઘાણીની વાડીએ ચોક્કસ પધ્ધતિથી કમ્પોસ્ટ થયેલ છાણીયા ખાતરના વપરાશથી જમીનમાં ખુબ મોટી માત્રામાં ઉત્પન્ન થતા શુક્ષ્મ જીવો, ઉપયોગી બેક્ટેરિયા અને અળસીયાને કારણે જમીન પોચી બનવાથી હવાની અવરજવર વધતાં જમીનના સુધારથી છોડની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ વધવાથી પાક ઉત્પાદન કેવી રીતે વધે છે તે દેખાડવામાં આવેલ.
મોટી તુંબડીમાં નરેન્દ્રસિંહ જાડેજાની વાડીએ વહી જતાં વરસાદી પાણીથી નિર્જીંવ કુવાને ફરીથી રીચાર્જ કરીને ખુબ જ નબળી જમીનમાં પણ જાત મહેનતથી બાગાયત અને નિયમિત પાકો સાથે મસાલા પાક સહિતની સફળ ખેતી કેમ થાય તેનું નિદર્શન થયું હતું.
મોટા કપાયા ગામે ધનજીભાઈ અને દિનેશભાઈ વાલાણી બંધુઓની વાડીની મુલાકાતમાં એક જ એકરમાં પ્રયોગાત્મક રીતે કરાયેલ વિવિધ ચાર જાતના ઘઉંનું એકસાથે વાવેતરનો સફળ પ્રયોગ જોવા સાથે પદ્ધતિસરના ટાંકા બનાવીને તેમાં ગોબર સ્લરી, જીવામૃત, ગોકૃપાઅમૃતમ સહિતના સંપુર્ણ ગાય આધારિત ખાતરો બનાવી ખુબ ઓછી મહેનત અને ઓછા ખર્ચે ડ્રિપ દ્વારા સીધા પાક સુધી કેમ પહોંચાડી શકાય અને સંપુર્ણ જમીન કેવી રીતે રસાયણીક ખાતરો અને ઝેરી દવાઓના બિલકુલ વપરાશ વગર ઘઉં, બાજરો, મગફળી ઉપરાંત કેળા, બટાકા અને જામફળ સહિતના પાક લેવા માટે પણ ફળદ્રુપ અને ઉપજાઊ બનાવી શકાય તેની સમગ્ર માહિતી આપવામાં આવેલ.
બે ભાગમાં યોજાયેલ આ પ્રેરણા પ્રવાસમાં દુર વાગડ અને અબડાસા સહિત સમગ્ર કચ્છમાંથી કુલ 150 જેટલા ખેડુતોએ ભાગ લીધેલ અને આવો સુંદર અનુભવ અગાઉ ક્યારેય ન મળ્યા હોવાના ભાવ સાથે દરેક સફળ પ્રયોગને પોતાની વાડીમાં પ્રારંભ કરી દેવાની ઇચ્છા વ્યક્ત કરેલ.
આ પ્રવાસમાં રામપર વેકરા ગુરુકુળથી અભિયાનના મુખ્ય માર્ગદર્શક શ્રી દેવચરણ સ્વામી સાથે મુખ્ય સમિતિના મેઘજીભાઈ હીરાણીનું અમુલ્ય માર્ગદર્શન મળેલ.
સારું ખાવું અને સાચું ખાવું તે માટે સ્વયંથી ઉદાહરણ બનવા માટે સૌ ખેડુતોને શુધ્ધ ગાય આધારિત ખેતીથી પકવેલ બાજરાના રોટલા સાથે દેશી ગાયનું ઘી, દેશી ગોળ અને રીંગણાના શાક સાથેનું સાદું છતાં પૌષ્ટિક એવું બપોરનું “ગોવૃતિ” ભોજન પણ વાડીના ઝાડ નીચે બેસાડીને કેળાના પાન ઉપર પીરસવામાં આવેલ. સમગ્ર પ્રવાસમાં રાપર ગુરુકુળથી નૌતમમૂની સ્વામી, મુકુંદમૂની સ્વામી અને પ્રવાસી કાર્યકર્તાઓ જયદીપભાઇ, શૈલેષભાઈ, ખીમજીભાઇ અને દેવરાજભાઈ પણ સાથે રહેલ.
દેશી ગોવંશને ટકાવી રાખવાના હેતુથી પ્રારંભે ફરજીયાત એકથી બે ગાય કાંકરેજ ગાય વસાવવા સાથે માત્ર અડધાથી બે એકર જમીનમાં ગાય આધારિત ખેતી ચાલુ કરવાના ભુજ મંદિરના આગ્રહથી આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે અને તેનાંથી પ્રોત્સાહીત થઈને ખેડુતો ખુબ ખર્ચાણ રસાયણીક ખાતરો અને ઝેરી દવાઓ છોડીને પોતાની રીતે જ શુધ્ધ ખેતી માટે જમીન વધારવા પ્રેરિત થઈ રહ્યા હોવાનું મુખ્ય સમિતિના શ્રી શ્યામચરણ સ્વામીએ જણાવ્યું હતું.