મૃતદેહને છકડામાં લાવી તબિયત ઠીક ન હોવાનું કહી ચા પીવા જવાના બહાને હત્યારો પતિ નાસી ગયો: બે શકમંદોની એલસીબીએ કરી અટકાયત

ભુજમાં વેબ સિરીઝની માફક એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. જેમાં ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે ભરબપોરે છકડામાં આવેલી વ્યક્તિ મહિલાની લાશ મૂકીને પલાયન થઈ જતા ભારે ચકચાર મચી ગઇ હતી.જોકે સતર્ક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું છે.જેથી મર્ડરની આ રહસ્યમય ઘટનામાં બે શકદારોને પૂછપરછ માટે એલસીબીના પીઆઈ એસ.એન.ચુડાસમા સહિતના સ્ટાફે ઉઠાવી પૂછતાછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે ચાર વાગ્યાના અરસામાં છકડામાં એક શખ્સ આવ્યો અને 35 થી 40 વર્ષની આ મહિલાની લાશને નીચે ઉતારી જમીન પર ચાદર પાથરીને સુવડાવી હતી. જેથી ત્યાં ઉભેલા વ્યક્તિએ મહિલાને અહીં રાખવા કરતા સામે હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. આ દરમિયાન છકડાવાળો ભાડું લઈને ચાલ્યો ગયો પણ તેની સાથેના વ્યક્તિએ કહ્યું કે મહિલાને ફીટ અને ચક્કરની બીમારી છે. જેના કારણે બેભાન થઈ ગઈ છે અને સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવા માટે સગા આવી રહ્યા છે તેમ કહી તે મહિલાના પગ ઘસવા લાગ્યો હતો.

જેથી સ્થાનિકોએ પણ તેની વાતમાં વિશ્વાસ રાખ્યો હતો પણ થોડીવારમાં આ વ્યક્તિ ચા પીવા જાઉં છું તેમ કહીને ગયો તે બાદ આવ્યો જ નહીં.જેથી શંકા જતા હોસ્પિટલમાં જાણ કરાઈ ત્યાંથી પોલીસ સ્ટાફના માણસો દોડી આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન આ મહિલા મૃત હોવાનું સામે આવતા એમ્બ્યુલન્સ બોલાવી લાશને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ મહિલાની લાશને અહીં મૂકી કોણ ગયું તે સવાલ થોડીવારમાં જ વાયુવેગે શહેરભરમાં ફેલાઈ ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી. જેમાં નેત્રમના સીસીટીવી કેમેરા તેમજ હોસ્પિટલ આસપાસના કેમેરાની તપાસ કરી લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આ છકડા ચાલકને લાખોંદ પાટિયા પાસેથી રોકાવી પૂછપરછ કરતા તેણે કોટડા ચકારથી મહિલાને બેસાડી હોવાનું અને તેની સાથેના વ્યક્તિએ મહિલા બેભાન હોવાનું કહ્યું હતું. તેવી કેફિયત આપી હતી. બાદ તપાસમાં કુકમા વિસ્તારમાંથી બે જણને શકદાર તરીકે ઉઠાવી લેવાયા હતા.પોલીસની તપાસમાં આ મામલો કરપીણ હત્યા હોવાનું સ્પષ્ટ થયું છે. જેમાં મહિલાને પગમાં ભાગે ઇજાઓ થઈ હતી. હતભાગી કડિયા કામ કરતી હોવાનું પહેરવેશ પરથી સામે આવ્યું હતું.આ અંગે ઘટનાની જાણ થતા એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા,બી ડિવિઝન પીઆઇ કે.સી વાઘેલા અને પધ્ધર પીએસઆઈ વનરાજસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે શકદારોની પૂછપરછ અને ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

આ ઘટના નજરે નિહાળનારા સ્થાનિકેથી જાણવા મળ્યું કે,આ મહિલાની સાથે એક વ્યક્તિ હતો જે લાશ મૂકી ગયો પણ તેની સાથે એક નાની બાળકી પણ હતી જેથી એ કોણ હતી ? તેને લઈને લોકોમાં ચર્ચા થઈ રહી છે. જેથી તપાસ કરતા સામે આવ્યું હતું કે,આ બાળકી હતભાગીની જ પુત્રી હતી. આ માસૂમને ખબર પણ નહીં હોય કે તેના પિતા સાથે તેની માતાને લાશને મુકવામાં આવી છે ! આ ઘટનાએ દિવસભર ચકચાર જગાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.