ઘરના જ ધાતકી
ચોરીના ગુનામાં સંડોવાયેલા ભાઈ અને ભત્રીજાની પોલીસે કરી ધરપકડ
ભુજમાં વિજયનગરમાં રહેતા સોની વેપારીની બે ભાઈઓ ભાગની દુકાનમાંથી તેના સગા ભાઈ અને ભત્રીજાએ કટકે કટકે દુકાનમાંથી સોના – ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત રૂ.૧૩.૦૫ કરોડની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે સોની વેપારીની ફરિયાદમાં આધારે તપાસ હાથધરી પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભુજમાં વિજયનગર પાસે જયુબેલી કોલોનીમાં રહેતા અને હોસ્પિટલ રોડ પર ખા રોડ પર સોની પ્રેમજી ગોવિંદજી અને કે.જે.જવેલર્સ નામે બે સોનીની દુકાન ધરાવતા કિશોરભાઈ પ્રેમજીભાઈ સોલંકી નામના ૫૯ વર્ષના પ્રૌઢે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં કિશોરભાઈ સોલંકીએ પોતાના સગાભાઇ જયેશ પ્રેમજી સોલંકી અને તેના પુત્ર રાઘવ જયેશ સોલંકી સામે ચોરીનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશોરભાઈએ પોલીસ મથકમાં જણાવ્યું હતું કે. સોની પ્રેમજી ગોવિંદ અને કે.જે.જવેલર્સ બંને તેના ભાઈ જયેશ સોલંકી સાથે ભાગીદારીમાં છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી હિસાબમાં ગોટાળા આવતા હોવાથી સોની વેપારીએ તપાસ કરતા તેના સગાભાઇ જયેશ અને ભત્રીજા રાઘવે કરોડોનું ફુલેકું ફેરવી નાખ્યાનું જાણવા મળતા પ્રૌઢ બી ડિવિઝન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આ ફરિયાદમાં કિશોરભાઈએ જણાવ્યું હતું કે જયેશ સોલંકી અને તેના પુત્ર રાઘવ સોલંકીએ ત્રણ વર્ષમાં તેની ભાગીદારીની પેઢીમાંથી રૂ.૧૨.૫૦ કરોડની કિંમતનું ૨૭ કિલો ૫૦૦ ગ્રામ સોનું, રૂ.૩૫ લાખની કિંમતની ૫૭ કિલો ૫૦૦ ગ્રામ ચાંદી અને રોકડા રૂ.૨૦ લાખ મળી કુલ રૂ.૧૩.૦૫ કરોડનો બારોબાર વહીવટ કરી નાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતું.
કિશોરભાઈ સોલંકીની ફરિયાદમાં આધારે જયેશ સોલંકી અને રાઘવ સોલંકી સામે ગુનો નોંધી ભુજ બી ડિવિઝનના પીઆઈ કે.સી.વાઘેલા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સીસીટીવી સહિતની ફૂટેજ તપાસ અને હિસાબ કિતાબ જોઈ સગાભાઇ સાથે રૂ.૧૩.૦૫ કરોડનું ફુલેકું ફેરવનાર પિતા – પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.