ગુજરાતમાં હાલમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેર ધીમી પડી રહી છે. તો બીજી તરફ રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી અપાઈ રહી છે. ત્યારે આ વચ્ચે જાણીતી લોકગાયિકા ગીતા રબારી રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે જઈને રસી અપાતાં વિવાદ થઈ ગયો છે.
લોકડાઉન દરમિયાન પણ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી રાજ્યભરમાં ડાયરાઓની અને ખાનગી કાર્યક્રમોની રંગત જમાવનાર ગીતા રબારી વધુ એક વિવાદમાં સપડાઇ છે. કચ્છની કોયલ તરીકે દેશ વિદેશમાં જાણિતી બનેલી માઘાપરની લોક ગાયિકાને પોતાના ઘરે જઇને આરોગ્યકર્મી દ્વારા વેક્સીન આપવામાં આવતા વિવાદનો મધપૂડો છેડાયો છે. ગીતા રબારીએ શનિવારે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર શેર કર્યું હતું કે તેમણે પોતાના ઘરે કોરોનાની વેક્સીન લીધી છે. અને તેના ફોટા પણ અપલોડ કર્યા હતા. ફોટામાં કોઇ સેન્ટર પર વેક્સીન લેવાના બદલે વૈભવી ઘરમાં વેક્સીન લેવાના દ્વશ્યો જોઇ વિવાદ સર્જાયો હતો.
કોરોનાની રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. લોકોને પસંદગીના અને નજીકના સ્થળે કેન્દ્ર ન મળવાથી દૂર દૂર રસી લેવા જવું પડે છે. બીજી તરફ ગીતા રબારી જેવી સેલિબ્રિટીને વગર રજિસ્ટ્રેશને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાતાં લોકો ભડક્યાં હતાં.
લોકગાયિકા ગીતા રબારી, તેમના પતિ અને પરિવારજનોને ઘરે જઈને રસી અપાઈ હોવાની પોસ્ટ સ્વયં ગીતા રબારીએ સોશિયલ મીડિયા પર મૂકતાં લોકોએ સવાલો કર્યા હતા કે રજિસ્ટ્રેશન કરાવ્યું? કયો સ્લોટ મળ્યો હતો? ગીતા રબારી આ સવાલોના જવાબ નહોતાં આપી શક્યા તેથી વિવાદ થઈ ગયો હતો. વધુ વિવાદ ટાળવા ગીતાએ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. જો કે આ તેમની પોસ્ટ અને તેમના પતિએ વ્હોટસએપના સ્ટેટસમા મૂકેલા ફોટા- સ્ક્રીન શોટમાં લેવાઈ ગયા હતા.
તો બીજી તરફ વિવાદ વધતા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકની પૂછપરછ કરી હતી. એ પછી તેમણે જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, . આ આદેશના પગલે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને ખુલાસો કરવા નોટિસ ફટકારાઈ છે.