અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ગુજરાત અદાણી ઇન્સ્ટ્ટ્યિુટ ઓફ મેડિકલ સાઇન્સિગ (ગેઇમ્સ) દ્વારા રૂા.1 કરોડના ખર્ચે 200 સિલિન્ડરની ક્ષમતાવાળો પ્રેસર સ્વિંગ એબ્ઝોબર ટેકનોલોજી (પી.એસ.એ.) આધારિત આધુનિક પ્લાન્ટ કાર્યાન્વિત થતાં જી.કે. જનરલ હોસ્પિટલ હવે ઓક્સીજન ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયું છે.
હોસ્પિટલના બાયોમેડિકલ એન્જીનિયર ભાવેશ પટેલે આ નવા સ્થાપિત પ્લાન્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતની જાણીતી કંપની દ્વારા 23મીએ સવારે પ્લાન્ટના આવશ્યક ઉપકરણો મળતા યુધ્ધના ધોરણે એન્જી. ટીમ દ્વારા પ્લાન્ટના આંતરીક જોડાણ સક્રિય કરી પરિક્ષણ સાથે શુધ્ધ ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
ઓક્સિજનનું ઉત્પાદન થવાની સાથે હોસ્પિટલમાં તૈયાર થયેલી આંતરિક સુલભ પાઇપલાઇન દ્વારા દર્દીના બેડ સુધી ઓક્સિજન સરળતાથી વહન કરી શકાશે. પ્રતિ 24 કલાકે આ પ્લાન્ટ દ્વારા 200 સિલિન્ડરનું ઉત્પાદન કરતું થઇ જવાથી કુલ 4 પ્લાન્ટની ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા 500 સિલિન્ડર થતાં હાસ્પિટલની વર્તમાન અને ભાવિ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળાશે.
હોસ્પિટલમાં આ પ્રકારે જુદા-જુદા પ્લાન્ટ હોવા છતાં કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા છૂટક ઓક્સિજન સિલિન્ડર નિયમિત ખરીદવામાં આવતા પરંતુ હવે જી.કે.માં છૂટક ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગથી છૂટકારો મળશે.