બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીનાં લગ્ન કરવાં, કરાવવાં કે આવાં લગ્ન કરવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે. જો આવાં લગ્ન કરાવવામાં આવે તો વર-ક્ધયાનાં માતા પિતા, વર અને ક્ધયામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર વગેરે મદદગારી કરનાર તમામ ઈસમો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદા હેઠળ રૂ.એક લાખ સુધીનો દંડ અને વધુમાં વધુ બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. જો આવાં લગ્ન થતાં હોય અને લગ્ન થયા પહેલાં જાણ કરવામાં આવે તો આવાં લગ્ન અટકાવવામાં આવે છે અને જો લગ્ન થઈ ગયા હોય તો તેઓની સામે જરુરી તપાસ કરી ફરીયાદ દાખલ કરવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિએ આ પ્રકારનાં લગ્ન કરવાં કે કરાવવાં નહિં. જો કોઈ બાળલગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, નાગરીક સોસાયટીની પાસે, ભુજ-કચ્છ, જિલ્લા બાળ સુરક્ષા એક્મ, 402 બહુમાળી ભવન, ભુજને તેમજ અભયમ મહીલા હેલ્પ લાઇન 181, ચાઈલ્ડ લાઈન 1098 અને 100 નંબર પણ જાણ કરવા વિનંતી છે.
આ અંગે માર્ગદર્શનની જરૂર હોય તો ફોન નંબર 02832-256038-252613 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે. અખાત્રીજને દિવસે ખૂબ મોટા પ્રમાણે લગ્નો થતા હોય છે તેમજ સમૂહલગ્નોનું પણ આયોજન થતું હોય છે. આ સમયમાં બાળલગ્નો થવાની સંભાવના રહેલી હોય છે. તેથી તેની જાણકારી અત્રેની કચેરી અથવા પોલીસને મળે તો આવાં બાળલગ્ન અટકાવવામાં આવે છે. જેથી લગ્ન નક્કી થાય તે પહેલાં જ વર-કન્યા ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળલગ્ન અંગેના કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. તેવો અનુરોધ તંત્ર દ્વારા કરવામાં આવે છે.
તેમજ લગ્ન વિધિ કરાવનાર ગોર મહારાજો, રસોયા, મંડપ સર્વિસવાળા, ફોટો્ગાફ્રર્સ તેમજ વિડિયોગ્રાફર્સ તમામને આથી જણાવવાનું કે, જેના લગ્ન થનાર હોય તે દરેક છોકરા-છોકરીના જન્મ તારીખના દાખલાઓ (શાળા છોડયાનુ પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો) મેળવવા અને તેની ચકાસણી કરી કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા છોકરા-છોકરીનાં જ લગ્ન કરાવવા વિનંતી છે. અન્યથા તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ સમાજના સમૂહલગ્નો થતા હશે અને તેમાં કોઈ બાળલગ્ન જણાશે તો તેની જવાબદારી ઉપરોક્ત જણાવ્યા ઉપરાંત સમુહ લગ્ન આયોજકોની પણ ગણાશે અને તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કચ્છ-ભુજએ. પી. રોહડિયાની અખબારી યાદીમાં જણાવાયુ છે.