મંદિર આસપાસનું પ્રાકૃતિક સૌર્ઘ્ય આકર્ષણનું કેન્દ્ર: પગપાળા દર્શન કરવાનો અનેરો મહિમા
લાલપુર તાલુકાની બાજુમાં આવેલું ભોળેશ્ર્વર મહાદેવનું મંદિર અતિ રમણીય વાતાવરણ ધરાવે છે, અહીં ૪પ૦ વર્ષ પૂર્વ ભોળેશ્ર્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટયા હોવાનો ઇતિહાસ છે. તેમજ સૌથી વિશેષ વાત એ છે કે ભોળાનાથની શિવલિંગનું કદ દર વર્ષે થોડું થોડું વધી રહ્યું છે. જામનગર શહેરથી જઇએ તો ૩૦ કી.મી. દૂર ગજણા ગામે ભોળેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના આશરે ૪પ૦ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. અહીંનું શિવલીંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. અને તેની પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. ભોળેશ્ર્વર મહાદેવના મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. અહીં વિવિધ ત્રણ નદીઓનો સંગમ થાય છે. લોકવાયકા મુજબ ૧૬૪૫માં શિવલીંગની ઉત્પતિ થઇ હતી. ઇતિહાસ એવો છે કે ગજણા ગામનો ગોવાળ પોતાની ગાયોનું ધણ લઇ અહીં ચરાવવા માટે આવતો, એમાં ગજણા ગામના સુથારની એક ગાય દરરોજ સાંજે ધણથી અલગ પડી જતી અને એક રાફડા પાસે ઉભી રહી તેના પર પોતાના ચારેય આંચળનું દુધ વરસાવતી હતી. ગોવાળને આ વાતની જાણ થતાં ચિંતામાં મુકાઇ ગયો. પરંતુ બાદમાં ભગવાન શંકર તેના સપનામાં આવ્યા અને જણાવ્યું કે ગાય જે જગ્યાએ દુધ વરસાવે છે ત્યાં ખોદકામ કરતા શિવલીંગ મળી આવશે.
બાદમાં અહીં ખોદકામ કરતા શિવલીંગ મળી આવ્યું હતું લોકોએ વિચાર્યુ કે આ વન વગડામાં દાદાને થોડા રખાય જેથી ગામલોકોએ ગજણામાં તેની સ્થાપના કરવાનું નકકી કર્યુ આમ વિચારી શિવલિંગ વધુ ખોદી તો શિવલીંગ બોલી મને અહીં જ રાખો બીજે ન લઇ જાવ. તે વખતે ગાયે ફરી અભિષેક કરતા ના પાડવામાં આવતા ગાયે ગુસ્સે થઇ લીંગ માટે પગની ખરી મારી હતી. તે વખતે શિવલીંગને ત્રિકમ વાગી જતા લોહી પણ વહેતું થયું હતું. અહીં પગપાળા દર્શન કરવાનો પણ અનેરો મહિમા છે. મંદિરનું પટાંગણ પ્રાકૃતિક સૌર્ઘ્યથી ખીલી રહ્યું છે. આસપાસનું વાતાવરણ જ લોકોને તન-મનમાં આઘ્યાત્મિક તાજગી ભરી દે છે ભોળેશ્ર્વર મહાદેવનું મંદિર માત્ર જિલ્લામાં જ નહં પરંતુ સૌરાષ્ટ્રમાં સુપ્રસિઘ્ધ છે અહીં બારે માસ ભકતોની ભીડ રહે છે હાલ શ્રાવણ માસમાં તો શિવભકતોનું ઘોડાપુર ઉમટે છે. શ્રાવણના દરેક સોમવારે ભકતો મહાદેવના શરણે આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે ભીડ એકઠી થવા દેવામાં આવતી નથી.