ગોંડલની ગોંડલી નદી કિનારે અને રાજવી પરિવારના નવલખા બંગલા પાસે આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સાથે શ્રી કૃષ્ણ અને પાંડવોનો સમય પણ સંઘરાયેલ છે, ઘમસાણગીરી બાપુની ૧૭ મી પેઢી અને વર્તમાન મંદિરની પૂજા અર્ચન કરતા જયપાલગીરી સુખદેવગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગોંડલી નદીનું નામ પહેલા ગૌકણિઁ નદી હતું અને ગોંડલનું નામ ગૌકર્ણ હતું. બાદમાં સમય જતા ગૌમંડળ અને ગોંડલ થયું છે.
શ્રી કૃષ્ણ અને પાંડવ કાળમાં ભીમે મહાદેવજીની પૂજા કર્યા પછીજ ભોજન કરવાનો સંકલ્પ કર્યો હતો. ગોકુલ, મથુરા થી દ્વારકા જતી વેળાએ શ્રી કૃષ્ણ અને પાંડવોએ ગૌકણિઁ નદીના કિનારે રાતવાસો કર્યો હતો. અને સવારે ભીમ નો સંકલ્પ પૂરો કરવા શ્રી કૃષ્ણ દ્વારા શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી અને ભીમ દ્વારા પૂજા કરતા આ ભીમનાથ મહાદેવ મંદિર નામ પડ્યું હતું. બાદમાં હજારો વર્ષો વીત્યા બાદ ઘમાસાણગીરી બાપુને સ્વપ્નમાં આ જગ્યા આવતા ફરી પૂજા અર્ચન શરુ થાય હતા. આ મંદિર પાસે રામભારતી બાપુની સમાધિ પણ આવેલ છે.
જેઓએ રાજવી પરિવારના રાજમાતાને પોતાનું આયુષ્ય આપી જીવંત સમાધિ લીધી હતી તે સમયનું લખાણ આજે પણ તકતી માં જોવા મળી રહ્યું છે.
મંદિર અને નદીની સામે પાર મસ્જીદ અને કબ્રસ્તાન આવેલા છે મંદિરમાં થતો ઘંટારવ, ધૂન ભજન નો વળતો પડઘો અહી નિત્ય સંભાળતો હોય છે, શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શને આવતા જ હોય છે પરંતુ ૩૬૫ દિવસ નિત્ય દર્શને પણ શ્રદ્ધાળુઓ આવી ભક્તિમાં લીન થતા હોય છે.