ભીમા કોરેગાંવ હિંસાની તપાસમાં શાહની હત્યાનું કાવતરુ ખુલ્યું ૭ શહેરોમાં દરોડા
ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, વિદ્યાર્થી સંગઠનના નેતા ઉંમર ખાલીદ સહિતનાઓને સંડોવતા કેસમાં ચળવળ કરાવવાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું
પૂણેના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં તપાસ કરી રહેલી પોલીસના હાથમાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હત્યા કરવાનું કાવતરું ખુલ્લુ પડવાની સાથે-સાથે આ કેસમાં માઓવાદી સંગઠનોનો હાથ હોવાના પુરાવા સાંપડતા પોલીસે ૭ શહેરોમાં દરોડા પાડી પાંચ એકટીવીસ્ટોની ધરપકડ કરતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પણ સંડોવણી હોવાનું બહાર આવતા ચકચાર મચી છે.
ભીમા કોરેગાંવની ઘટના બાદ દેશભરમાં ફાટી નિકળેલી હિંસાની તપાસ કરી રહેલી પૂણે પોલીસના હાથમાં એકટીવીસ્ટો દ્વારા માઓવાદીઓને લખાયેલા પત્રની નકલો આવતા સનસનાટી મચી ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસે દેશભરમાં ડાબેરી અને આંબેડકરવાદી વિચારધારા સાથે સંકળાયેલા એકટીવીસ્ટોના ઘર પર દરોડા પાડયા હતા અને પાંચ લોકોની ધરપકડ કરી હતી જેમાં તેલુગુ કવિ વરવરારાવ, એકટીવીસ્ટ સુધા ભારદ્વાજ, સિવિલ રિબટ્રી એકટીવીસ્ટ ગૌતમ નવલખા, આણંદ તુમરે, સુમન અબ્રાહમ સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિલ્હીથી તેલુગુ કવિ વરવરારાવની ધરપકડ બાદ મામલો ગરમાયો હતો અને રાવના વકિલે કવિ રાવને દિલ્હીની બહાર ન લઈ જવા માંગ ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભીમા કોરેગાંવ હત્યા કેસમાં આ અગાઉ પણ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે હાલમાં જે લોકોની ધરપકડ કરી છે તેમના પર જાતી અને ધર્મના આધારે વેરને પ્રોત્સાહન આપવાની ભારતીય દંડ સહિતાની કલમ ૧૫૩ મુજબ ગુનો દાખલ કરી આ તમામ આરોપીઓ વિરુઘ્ધ નકસલી પ્રવૃતિઓમાં સામેલ હોવાની શંકાના આધારે ગેરકાયદેસર પ્રવૃતિ રોકઠામની કલમો લગાવી પોલીસે પાંચેય લોકોની ધરપકડ કરી છે. જેમાં નકસલી સાથે વાતચીતના પત્રો મળતા વડાપ્રધાન મોદી અને અમિત શાહની હત્યાનો ઘટસ્ફોટ થયો છે.
દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલ એકટીવીસ્ટના ઘરની જડતી દરમિયાન માઓવાદી સાથે થયેલા પત્ર વ્યવહારમાં ઉલ્લેખ કરાયો છે કે, વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાજનાથસિંહની રેલી સમયે હુમલો કરવાનો આપણા પાસે મોકો છે આ તકને ઝડપી લઈ હુમલા કરવાની યોજના હોવાનું પત્ર વ્યવહારમાં સ્પષ્ટ થતા પોલીસ એકશન મોડમાં આવી છે અને હજુ પણ અનેક લોકોની ધરપકડ થવાના અણસારો સાંપડી રહ્યા છે.
બીજી તરફ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ની ઘટના બાદ પોલીસે જાન્યુઆરી માસમાં ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, વિદ્યાર્થી સંગઠનના નેતા ઉમર ખાલીદના નેતાઓ સામે ઉતેજક ભાષણ આપવા મુદ્દે એફઆઈઆર દાખલ કરી હતી. આ સંજોગોમાં હવે ધરપકડોનો દોર શરૂ થતા દેશભરના એકટીવીસ્ટોમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ બંધારણીય હકકોનું ઉલ્લંઘન કરી ખોટી રીતે ધરપકડ કરતી હોવાનું પણ જણાવાયું છે.
નોંધનીય છે કે, પોલીસે માઓવાદીઓ સાથેના પત્ર વ્યવહારમાં લખાયેલી વિગતોનો અણસાર આપ્યો છે જેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની હત્યા કરવા માટે કારસો ઘડી કઢાયો હોવાનું સ્પષ્ટ થતા દેશના ૭ શહેરોમાં ધરપકડોનો દૌર શરૂ કરાયો હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.