પૂર્વ આઇપીએસ અને ધારાસભ્ય વિધાનસભા સત્રમાં હાજરી આપવા જતા લૂંટારા ત્રાટક્યા: શામળાજી પોલીસે બે શખ્સોની અટકાયત કરી
અરવલ્લી જિલ્લાના ભીલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઇપીએસ અધિકારીના પત્નીને ગત રાતે બે લૂંટારાઓએ બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ સહિતના પોલીસ સ્ટાફ ધારાસભ્ય બરંડાના નિવાસ સ્થાન મેઘરજના વાંકાટીંબા ગામે દોડી ગયા છે. લૂંટના ગુનામાં શામળાજી પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
ગુજરાતમાં વધી રહેલા તસ્કરોના ત્રાસથી હવે ધારાસભ્યનું ઘર પણ સુરક્ષિત રહ્યું નથી. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવાસસ્થાને હોવાની માહિતી સામે આવી રહી છે. અડધી રાત્રે ઘરમાં ઘુસેલા બે લૂંટારાએ ધારાસભ્યના પત્નીને બંધક બનાવીને રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવ્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલમાં ધારાસભ્ય પી.સી બરંડા ગાંધીનગર હતા. સમગ્ર મામલે એસ.પી.સહિત પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.
પૂર્વ આઇપીએસ અધિકારી અને હાલમાં ભિલોડાથી ભાજપના ધારાસભ્ય પી.સી બરંડાના મેઘરજના વાકાટીંબા ગામમાં આવેલા ઘરે લૂંટની ઘટના બની છે. ધારાસભ્ય ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે ગાંધીનગરમાં હતા, એવામાં ઘરે એકલા તેમના પત્નીને બે લૂંટારીઓએ બંધક બનાવી લીધા હતા અને લૂંટ ચલાવી હતી. જો કે, ભાજપના ધારાસભ્યની પત્નીને ઘટનામાં કોઈ ઇજા થઇ નથી. એમના બંગલામાંથી સોનુ, ચાંદી જેવા દાગીના અને રોકડ રકમની લૂંટ થયાની માહિતી સામે આવી છે.
આ અંગે માહિતી આપતા અરવલ્લીના એસ.પી. શેફાલી બરવાલે જણાવ્યું કે, રાત્રે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના ઘરે લૂંટની ઘટના બની હતી. આ જાણકારી મળતા જ શામળાજીના પીએસઆઇ, એલસીબી, સહિતની ટીમ પહોંચી ગઈ છે. એક-બે શંકાસ્પદ ઝડપાયા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યરૂપે દાગીના અને રોકડની લૂંટ થઈ છે. કેટલાની મત્તા લૂંટ છે તે હજુ તપાસ બાદ જાણવા મળશે. તેમ કહ્યું હતું.