- દેશને ‘ભિક્ષુક’ મુક્ત કરવા સરકારનો માસ્ટર પ્લાન
- સરકાર ‘ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત’ યોજના અંતર્ગત રાષ્ટ્રીય પોર્ટલ બનાવશે: 2026 સુધીમાં દેશ ‘ભિક્ષુક મૂક્ત’નું લક્ષ્યાંક
એક સમય ભારત ગરીબ અને નંગાનો દેશ કહેવતો હતો પરંતુ સમયાંતરે દેશનો આર્થિક વિકાસ થતો હોવા મળ્યો છે. ત્યારે આ આર્થિક વિકાસની ગાડીને પૂરપાટ દોડાવવા દેશમાં ગરીબોને મુખ્ય પ્રવાહમાં જોડવા જરૂરી છે. જેના માટે સરકાર દ્વારા માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જો આ દેશ માંથી ભિક્ષુકો ભિક્ષા વૃત્તિ છોડશે તો દેશનો ઉધાર થશે. આ માટે સરકારે ભિક્ષુક ગૃહનું નિર્માણ કરશે જ્યાં તેઓને શિક્ષણની સાથે રોજગારી પણ આપવા માટે સરકાર કાર્ય કરશે.
હવે અમે હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માંગીએ, આ નારા સાથે ભાજપની મોદી સરકારે પોતાનો નવો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ માટે 30 શહેરોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ઉત્તરમાં અયોધ્યાથી પૂર્વમાં ગુવાહાટી અને પશ્ચિમમાં ત્ર્યંબકેશ્વરથી દક્ષિણમાં તિરુવનંતપુરમ સુધીના શહેરો પસંદ કરીને તેમને ’ ભિક્ષુક મુક્ત’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ભીખ માંગતા પુખ્ત વયના લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોનું સર્વેક્ષણ કરીને પુનર્વસન અને વિકાસ કરવાનો છે અને તેઓને નવું જીવન આપવાનો લક્ષ્ય પણ નિર્ધારિત કર્યો છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો હેતુ આ 30 શહેરોમાં ’હોટસ્પોટ’ ઓળખવાનો છે જ્યાં લોકો ભીખ માંગે છે. ત્યારે આ 30 શહેરોને 2026 સુધીમાં ભિખારીઓથી મુક્ત બનાવવામાં જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ સહયોગ આપવો પડશે. ભિખારીઓ માટે શરૂ કરાયેલી સ્માઈલ યોજના હેઠળ આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મંત્રાલય ફેબ્રુઆરી 2024માં 30 શહેરોમાં એક સર્વે કરવા માટે રાષ્ટ્રીય પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરશે, જેથી ભીખ માંગવામાં રોકાયેલા લોકોનો ડેટા તૈયાર કરી શકાય. 30 માંથી 25 શહેરોમાં લક્ષ્યાંક હાંસલ કરવાની યોજના મળી છે. કાંગડા, કટક, ઉદયપુર અને કુશીનગરને તેમનું આયોજન મળ્યું નથી. એક રસપ્રદ વાત એ છે કે ભોપાલના સાંચી શહેરના અધિકારીઓએ મંત્રાલયને કહ્યું છે કે તેમના વિસ્તારમાં કોઈ ભીખ માંગતો નથી, તેથી અન્ય કોઈ શહેરને સૂચિબદ્ધ કરી શકાય છે.
કોઝિકોડ, વિજયવાડા, મદુરાઈ અને મૈસૂરમાં ભિખારીઓનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. મંત્રાલય એક્શન પ્લાનના આધારે મ્યુનિસિપલ સત્તાવાળાઓને ફંડ રિલીઝ કરશે. આ ભંડોળમાંથી, ભિખારીઓનું સર્વેક્ષણ, ડેટા સંગ્રહ, આશ્રય સ્થાનાંતરણ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને તેમને રોજગારના સાધનો પ્રદાન કરીને પુનર્વસન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્માઈલ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે જ્યાં ભિક્ષુકો ને શિક્ષિત કરવામાં આવશે સાથોસાથ મંત્રાલય દ્વારા એક રાષ્ટ્રીય પોર્ટલનું પણ નિર્માણ કરવામાં આવશે અને ફેબ્રુઆરી મધ્યથી તેને શરૂ કરી દેવાશે આ પોર્ટલ પરથી દરરોજ ના આંકડા પણ અપડેટ કરાશે કે કેટલા ભિક્ષુકોને ભિક્ષુક ગૃહમાં સ્થાન આપવા આવ્યું છે.