હવે પછી એકપણ ચૂંટણી નહીં લડે તેવો નિર્ધાર
છેલ્લા ૬૪ વર્ષની રાજકીય અને સહકારી ક્ષેત્રે વિવિધ પદ પર સફળતાપૂર્વક શાસન કરી ચૂકેલા જૂનાગઢના માર્કેટીંગ યાર્ડના સ્થાપક અને સોરઠ પંથકના સહકારી, રાજકીય શ્રેત્રના ધુરંધર ભીખાબાપા ગજેરા એ રાજકીય, સહકારી ક્ષેત્ર સંન્યાસની જાહેરાત કરી છે, અને હવે પછી એક પણ ચૂંટણી નહીં લડે તેવો નિર્ધાર જાહેર કર્યો છે.
યુવા વયે સને ૨૦૫૭ માં જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ પંચાયતના પ્રથમ વખત બિનહરીફ સરપંચ બનેલા ભીખાભાઈ ચનાંભાઈ ગજેરા એ સતત ૧૨ વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા બાદ ૬ વર્ષ સુધી જિલ્લા પંચાયત જૂનાગઢના સભ્ય, ૫૦ વર્ષ સુધી, માખિયાલા સહકારી બેંકના પ્રમુખ, ૭ વર્ષ સુધી જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ઉપપ્રમુખ તેમજ ૧૭ વર્ષ તાલુકા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢના પ્રમુખ, ૫ વર્ષ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ના ડાયરેક્ટર, ૩૦ વર્ષ સુધી જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર, ૧૧ વર્ષ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ, ૯ સુધી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના સભ્ય, ૨૩ વર્ષ સુધી ગુજરાત રાજ્ય બજાર નિયંત્રણ બોર્ડના સભ્ય તથા ૪ વર્ષ માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ સેવામાં ચેરમેન તરીકે સેવા આપી ચૂકેલા જુનાગઢ તાલુકાનાં માખિયાળા ગામના નોન મેટ્રિક ખેડૂત અગ્રણી છેલ્લા ૬૪ વર્ષથી રાજકીય અને સહકારી ક્ષેત્રે સતત સંઘર્ષનો સામનો કરી, સોરઠને અને કિસાનોને કંઇક આપવાની ભાવના સાથે રાજકીય અને સહકારી ક્ષેત્રે અવિરત સેવા આપ્યા બાદ એક પત્રકાર પરિષદમાં તેમના રાજકીય અને સહકારી ક્ષેત્રેથી સ્વેચ્છિક રીતે સંન્યાસની જાહેરાત કરી છે, અને હવે પછી તેઓ એક પણ ચૂંટણી નહીં લડે તેવો નિર્ધાર જાહેર કર્યો હતો.
ભીખાભાઈ ગજેરા હાલમાં ૯૦ વર્ષની ઉંમરે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે, અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે તેમણે ૧૯૬૭માં સપનું જોયું હતું ત્યારબાદ જૂનાગઢને માર્કેટિંગ યાર્ડ મળે તે માટે તેમણે અનેક સંઘર્ષ અને કાયદાકીય લડાઈઓ સામે લડી, માર્કેટિંગ યાર્ડ માટે જમીન મેળવી, માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટેની કામગીરી પણ આરંભી દીધી હતી, પરંતુ રૂપિયા ન હતા અને સામે વિરોધ પક્ષની સરકાર હતી, ત્યારે પણ સતત સંઘર્ષ કરી, જૂનાગઢને માર્કેટિંગ યાર્ડના પાયા નાખી, યાર્ડ ઉભુ કર્યું હતું. આમ ભીખાભાઈ ગજેરા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના પાયાના પથ્થરની સાથે સ્થાપક પ્રમુખ બન્યા હતા અને એકાદ બે વર્ષ સિવાય આજ દિન સુધી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રહી ચુક્યા છે.
ભીખાભાઈ ગજેરાએ પત્રકાર પરિષદમાં વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ખૂબ જ સંઘર્ષ બાદ જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ વિરોધ પક્ષ સામે લડી અને અને કાયદાકીય લડત પાર કરી, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઉભુ કરવામાં આવ્યું હતું અને આજે આ માર્કેટીંગ યાર્ડમાં રૂપિયા ૧૫ કરોડથી વધુ રોકડા મૂકી હું મારી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરું છું, પરંતુ મને આશા છે કે મારા અનુગામી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનો સતત વિકાસ કરશે અને જે રકમ મૂકી જાઉં છું તેમાંથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ઉપયોગી કાર્યો અને સગવડો ઊભી કરશે. મેં સોરઠના ખેડૂતો માટે મારાથી શક્ય હતી તેટલી સેવા મારા યુવા કાળથી આજે નવું વર્ષ ના સમય દરમિયાન બજાવી છે, એક પણ દાગ લાગે તેવું કાર્ય કરેલ નથી, તેનો મને ગર્વ છે અને આજે જૂનાગઢ સહિત ગુજરાતભરના ખેડૂતો મને ભીખાબાપા તરીકે માન-સન્માન સાથે આવકારી રહ્યા છે