વાડીએ રમતા રમતા બાળક ટ્રોલીના નીચે સૂઈ જતા કાળનો કોળીયો બન્યો
પોતાનું વતન છોડી, પેટ્યુ રળવા ભેસાણ પંથકમાં આવેલા મધ્ય પ્રદેશની દંપતીના 2 વર્ષીય પુત્ર ઉપર ટ્રેકટરની ટ્રોલીનું વ્હીલ ચડી જતા કમકમાટી ભર્યુ મોત થતા પરપ્રાંતીય દંપતી શોકમગ્ન બન્યું હતું, અને આ ઘટનાની જાણ થતા બરવાળા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી રેલાશ માંગીલાલ ડાવર (ઉ.વ. 24) તેમની પત્ની સાથે પેટ્યું રળવા ભેસાણ તાલુકાના બરવાળા ગામે આવ્યા હતા, અને અહી ખેત મજૂરી કરી જીવન ગુજરાન કરી રહ્યા હતા, દરમિયાન બરવાળા ગામના અશ્વિનભાઇ ડોબરીયાની વાડીએ રેલાશ તથા તેની પત્ની લસણ મોરવાનુ કામ કરવા મજુરી કામે ગયેલ હતા, અને તેનો બે વર્ષનો પુત્ર ગોલું વાડીએ રમતા રમતા ખેતરમાં રાખેલ ટ્રેક્ટરની ટ્રોલીના છાયે સુઈ ગયેલ હતો.
આ દરમિયાન વાડી માલિક અશ્વિન ડોબરીયાએ તેનુ ટ્રેક્ટર આસપાસ કે આજુબાજુમાં જોયા વગર ગફલત ભરી રીતે અને બેદરકારી રીતે ચલાવતા પરપ્રાંતીય મજુરના 2 વર્ષીય દિકરા ગોલુ ઉપર ટ્રેક્ટર ટ્રોલીનુ વ્હિલ ચડી જતા, ફૂલ જેવા માસૂમ દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા કરૂણ મોત નિપજયુ હતું.
આ મામલે મરણ જનાર બાળકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક અશ્વિનભાઇ ડોબરીયા સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.