ગાંધીગ્રામમાં રામ હાઉસ ઓફ એજન્સીમાંથી લેવાયેલા અમુલ પ્યોર ઘી અને ગોપાલ શુદ્ધ ઘી ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું: ઘીમાં તલના તેલ, વેજીટેબલ તેલની ભેળસેળ કરાતી હતી
ગાંધીનગરથી આદેશ છુટતા મધ, સનફલાવર ઓઈલ, અમુલ ઘી સહિતની ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા: ભેંસનું ઘી, મીઠુ અને મિક્સ દૂધમાં ભેળસેળ કરનારાઓને રૂા.1.80 લાખનો દંડ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં શંકાના આધારે અમુલ પ્યોર ઘી અને ગોપાલ શુદ્ધ ઘીના નમુના લેવામાં આવ્યા હતા. આ બન્ને ઘી ડુપ્લીકેટ હોવાનું પરિક્ષણમાં ખુલ્યું છે. ઘીમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હોવાનું પરિક્ષણમાં સામે આવતા નમુના નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન ગાંધીનગરથી આદેશ છૂટતા આરોગ્ય શાખા દ્વારા મધ, સનફલાવર ઓઈલ અને ઘીના નમુના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગત 3 ફેબ્રુઆરીના રોજ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન મુંજકાના પીએસઆઈ એ.બી.જાડેજાના પત્રને અન્વયે ગાંધીગ્રામ-2, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે શ્રીરામ હાઉસ ઓફ એજન્સીમાંથી અમુલ પ્યોર ઘી અને ગોપાલ શુદ્ધ ઘી 500 મીલી પેકેટના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જેમાં પરીક્ષણ દરમિયાન આ શંકાસ્પદ ઘી ડુપ્લીકેટ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘીમાં બીઆર રીડીંગ નિયત કરતા વધુ માત્રામાં જોવા મળ્યા હતા. રીચર્ટ વેલ્યુ ઓછી જણાય હતી. જ્યારે ઘી માં તલના તેલની અને વેજીટેબલ તેલની હાજરી જોવા મળતા નમુના નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘી કાંટા રોડ પર કંદોઈ બજાર ચોકમાં જલારામ ઘીમાંથી ભેંસના ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો. જે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
નમુનો આપનાર દિપકભાઈ નારણભાઈ ચંદ્રાણીને રૂા.1.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે દાણાપીઠ ચોકમાં સદ્ગુરુ સોલ્ટમાંથી અંકુર સંપૂર્ણ નમકનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં આયોડીનનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવતા નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી કેતનભાઈ સેજપાલને રૂા.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રૈયારોડ પર વૈશાલીનગરમાં નંદકિશોર ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધનો નમુનો લેવાયો હતો જેમાં એસએનએફ ઓછા હોવાના કારણે નમૂનો નાપાસ જાહેર થયો છે. પેઢીના માલીક જેરામભાઈ વાલજીભાઈ રંગાણીને રૂા.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના ફૂડ સેફટી કમિશનરની સુચનાના અન્વયે આરોગ્ય શાખા દ્વારા કંસારા બજારમાં મહમદભાઈ બાટલાવાળાને ત્યાંથી લાયન કાશ્મીરી હની, કેનાલ રોડ પર હિન્દુસ્તાન ટ્રેડીંગ કોર્પો.માંથી ડાબર હની, મોટી ટાંકી ચોકમાં શ્રેણીક એજન્સીમાંથી શ્રીજી હની, લોધાવાડ ચોકમાં વિનાયક એજન્સીમાંથી ઝંડુ પ્યોર હની, મંગળા મેઈન રોડ પર નૃસિંહ મેડિકલ એજન્સીમાંથી સેવા સદન ઉત્તરાખંડ મધુ નેચરલ હની, કોઠારીયા મેઈન રોડ પર મધુધારા ફૂડ પ્રોડકટમાંથી મધુધારા મોનોફલોરલ રો હની, માર્કેટીંગ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાંથી વી લાઈટ રીફાઈન સનફલાવર ઓઈલ અને વી લાઈટ સન પ્યોર રિફાઈન સન ફલાવર ઓઈલ અને અમુલ પ્યોર ઘી, હનુમાન મઢી ચોકમાં સુબીન એન્ટરપ્રાઈઝમાંથી સફોલા હની.
રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે સ્વસ્તીક ઈન્ટરનેશનલમાંથી મધુરાસ વાઈલ્ડ ફોરેસ્ટ હની, લાતીપ્લોટમાં સદ્ગુરુ ફાર્મસમાંથી લુઝ મધ, મવડી સ્થિત ગોવર્ધન ચોકમાં ધ નેચર વે માંથી ધ નેચર્સ વે હની, યાજ્ઞીક રોડ પર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી.ના રિટેલ ડેપોમાંથી ધનવંતરી હની, એસ્ટ્રોન ચોક સ્થિત નેચર કેર સેન્ટરમાંથી ઓર્ગેનિક હની અને 150 ફૂટ રીંગ રોડ પર મિલક માર્કેટીંગમાંથી નેચર ફાઈન વોટર ડ્રિકીંગના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.