આજના આ કળિયુગી યુગમાં જાણે કોઈ લાજ શરમ કે પરવાહ જ ન રહી હોય તેમ છેડતી, બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે. જે માત્ર કાયદાનું જ ઉલ્લંઘન નહીં પણ સમાજ માટે પણ શરમજનક છે. ત્યારે રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામમાં પણ આવો એક લજ્જા કરાવે તેવો કિસ્સો વર્ષ 2021માં પ્રકાશમાં આવ્યો હતો. ભાયાવદરના શિક્ષક પ્રફુલ્લ ભાણજીભાઈ માકડીયાએ માત્ર 6 વર્ષની નાની ટબૂડી સાથે એડપલા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને આ ગુનાના આરોપીને આજરોજ કડક સજા ફટકારવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના..?
બનાવની વિગત અનુસાર ભયાવદર ગામના ભોગ બનનાર દીકરી કે જેમની ઉંમર આ બનાવ બખતે 6 વર્ષની હતી. પ્રફુલ માકડીયા કે જેઓ સરકારી શાળાના શિક્ષક અને સાથે તેઓ પોતાનું ખાનગી ટ્યુશન ચલાવતા હતા. જેમાં ભણવા જતી આ દીકરીને પ્રફુલ માકડીયાએ બિભત્સ વીડિયો દેખાડી શારીરિક છેડછાડ કરેલી હતી. પોતાના ગુપ્તાંગ પર હાથ ફેરવવા માટે મજબૂર કરેલી હતી. આ બનાવ તારીખ 31 જાન્યુઆરી 2010ના બપોરે દોઢથી બે વાગ્યા વચ્ચે બનેલો હતો. ભોગ બનનાર નાની દીકરીને શરીરે હાથ ફેરવી પોતાના ખોળામાં બેસાડી બિભત્સ વીડિયો બતાવેલા હતા.
આ બનાવ અંગેની ફરિયાદ થતાં ભાયાવદરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેતનકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ ૮ ડિસેમ્બર 2020ના રોજ પ્રફુલ માકડીયાને તકસીરવાન ઠરાવી અને છ માસની સજા તથા રૂપિયા ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદો આવ્યા બાદ પ્રફુલ માકડીયાએ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી અને ચુકાદાને પડકાર્યો હતો તો આ સામે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે પણ સજા વધારવા માટે અપીલ દાખલ કરેલી હતી.
સરકારી વકીલની ધારદાર રજૂઆતના પગલે સજા વધુ ફટકારાઈ
સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે આ આરોપી પ્રફુલે સરકારી સ્કૂલના કર્મચારી છે અને તે ટ્યુશન કરી શકે નહીં ત્યારથી જ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને તેનાથી વધારે એક નાની એવી દીકરી કે જેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તેમના માતા-પિતા શિક્ષણ લેવા માટે મોકલતા હતા ત્યાં પ્રફુલ માકડીયા અંગત મનોરંજન માટે તેણીની સાથે જે કૃત્ય કરેલું છે તે ક્ષમાને પાત્ર નથી અને દાખલારૂપ ચુકાદો આપવો જોઈએ. વિશેષમાં હાલમાં આવા ગુના ની સજા દસ વર્ષ જેવી છે પરંતુ આ બનાવ બનેલો હતો ત્યારે જૂનો કાયદો અમલમાં હતો એટલા માટે મહત્તમ સજા થવી જોઈએ તેવી ધારદાર રજૂઆત કરી હતી.
આવા બનાવને હળવાશમાં લઈ શકાય નહીં
વધુમાં વકીલે જણાવ્યુ હતુ કે તમામ બીભત્સ વીડિયો પોલીસ તરફથી કબજે કરાયેલા છે અને એફ.એસ.એલ.માં મોકલેલા છે અને એ ફેશિયલ તરફથી પૃથક્કરણ કરવામાં આવેલું છે. આ તમામ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપીની વર્તણૂક અને વ્યવહાર ન્યાયિક નથી. સગીર આખી જિંદગી માનસિક યાતના ભોગવવી પડે એવું કૃત્ય આચર્યું છે અને તે હળવાશથી લઈ શકાય નહીં. આ તમામ દલીલો અને રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ તથા નામદાર નીચેની અદાલત સમક્ષની જુબાનીઓને ધ્યાને લઇ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ મહેશચંદ્ર શર્માએ આરોપીની સજામાં વધારો કરી સજા બે વર્ષની એટલે કે મહત્તમ સજા કરેલી છે. આ ઉપરાંત દંડ પણ રૂપિયા 500માંથી વધારીને રૂપિયા 10,000 કરેલો છે. અને આ ચુકાદાથી હાલ આરોપી પ્રફુલ ભાણજી માકડીયા જેલ હવાલે થયેલ છે.