નગરપાલિકાએ પોતાના ઘરના નિયમો બનાવ્યાં છે : ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા
રાજ્ય સરકાર દ્વારા દલિત સમાજ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દલીત સમાજ માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે સરકારના અનેક પ્રયત્નો છતા ભાયાવદર નગરપાલિકાના શાસકોએ મળતીયાઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર ફાળવી દેતા દલીત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દલીત સમાજ દ્વારા નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવતા પોલીસને બોલાવી પડી હતી.
ગઇકાલે દલીત સમાજના યુવાનો નગરપાલિકા કચેરીએ ઘસી જઇ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને જણાવેલ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સ્થાનિક નગર પાલિકાનાં સત્તાધીશોએ નિતિ નિયમોને નેવે મૂકી પાલિકાના મળતીયાઓને આડેધડ આવાસોની ફાળવણી કરી ખરેખર જરૂરીયાતમંદ લોકોની બાદબાકી કરી નાખેલ છે. તેવા આક્ષેપ કરતા સ્થાનિક સત્તાધીશો સામે સમગ્ર શહેરમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે.
દલિત યુવાનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવેલ છે કે આ આવાસ યોજનાની ફાળવણીમાં સ્થાનિક નગર પાલિકાના સત્તાધીશોએ ઘરના નિયમો બનાવી આવાસોની ફાળવણી કરી દીધી છે. આ અંગે પત્રકારોને જિલ્લા ભાજપના ઉપપ્રમુખએ ભાયાવદરને સુંદર અને રળિયામણું બનાવેલ છે તેવા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
નગરપાલિકાના પ્રમુખ આ બાબતે એવો લુલો બચાવ કરે છે કે આ આવાસ ફાળવણીમાં અમારો કોઇ રોલ નથી. વધુમાં ઇન્દ્રવિજયસિંહે જણાવેલ કે 2019માં સ્થાનિક રસ્તાઓ નગરપાલિકાને સંભાળવા માટે સરકાર દ્વારા કહેવામાં આવેલ છતાં કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલના નગરપાલિકાના પ્રમુખ શહેરના વિકાસને બદલે રોડ-રસ્તાના નામે ખોટું રાજકારણ રમી રહ્યા છે અને સોશ્યલ મીડીયામાં પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.