ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઇપ લાઈન નાખવાનુ કામ અડધું છોડી ભાગી ગયેલા અમદાવાદના કોન્ટ્રાક્ટરે ચોરી કરાવ્યાનું ખૂલ્યું
પલેટા તાલુકાના ગધેથર ગામે ચાલી રહેલા ડેમના કામકાજ માટે આવેલા હિન્દુસ્તાન પ્રોજેક્ટના રૂ.8 લાખના પીવીસી પાઇપની ચોરી થયાની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે પાઇપ લાઈન નાખવાનું કામ અધૂરું મૂકીને નાસી ગયેલા અમદાવાદના કોન્ટ્રાકટર સહિત દસ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરમાં રહેતા અને હિન્દુસ્તાન પ્રોજેક્ટનું ઉપલેટા તાલુકાના ગધેથર ગામે આવેલા વેણ ડેમ -2 કોન્ટ્રાક્ટ કામના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ રામભાઈ ઓડેદરા નામના 39 વર્ષીય યુવાને ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વેણ ડેમ -2નું કામ પહેલા અમદાવાદના કોન્ટ્રાકટર સુરેશ ખીમજી શિંગલ પાસે હતું. જે અધૂરું કામ મૂકીને જતા રહેતા આ પ્રોજેક્ટ હિન્દુસ્તાન પ્રોજેક્ટને મળ્યું હતું. જેમાં ભરતભાઈ ઓડેદરાને બે દિવસ પહેલા સિક્યુરિટીનો કોલ આવ્યો હતો અને અમુક શખ્સો પીવીસી પાઇપ લઈ જતા હોવાનુ જણાવ્યું હતું. જેથી ભરતભાઈ તુરંત વેણ ડેમ -2 પર પહોંચ્યા હતા. જ્યાં જોતા જીજે 14 ઝેડ 6424 નંબરનું આઇસર અને તેના ડ્રાઇવર તથા પાચ મજૂર ત્યાં હતા.
આ લોકોની પૂછતાછ કરતા આ સામાન મુકેશ કરસન સોલંકીએ ભરવાનું કીધું હતું. મુકેશ સાથે આ બાબતે ચર્ચા કરતા આ સામાન અશ્વિન ભિખા રામએ પાણીની પાઇપ લાઇન લેવી હોય તો પડી હોવાનુ જણાવ્યું હતું.
જેની ઊંડાણમાં તપાસ કરતા અશ્વિનને ગાંધીનગરના કોન્ટ્રાકટર ગોપાલ વાઘેલાએ ગધેથર પાસેથી પાઇપ ભરવા અંગે જણાવ્યું હતું.
ત્યાર બાદ ગોપાલ વાઘેલાએ આ બાબતે અમદાવાદના સુરેશ ખીમજી શિંગલ સાથે વાત કરી લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ ભરતભાઈ દ્વારા તપાસ કરતા તેમાંથી રૂ.8 લાખની કિંમતની જુદી જુદી સાઇજની કુલ 522 પીવીસી પાઇપ લાઇન ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પ્રોજેક્ટ મેનેજર દ્વારા ખીમા હાજા પિઠીયા, નયન રામજી વાઢિયા, ભરત હરદાસ વાઢિયા, મહેશ ભીમા મજેઠીયા, અલ્પેશ માલદે વાઢિયા, ભાવેશ મનસુખ વાઢિયા, મુકેશ કરસન સોલંકી, અશ્વિન ભીખા રામ અને સુરેશ ખીમજી શિંગલ સામે ફરિયાદ નોંધાવતા ભાયાવદર પોલીસે દસ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.