બે દિવસ પહેલા મોબાઈલ લઈને સીમ કાઢી નાખ્યાં બાદ સગીરાએ ગળાફાંસો ખાધો

વર્તમાન સમયમાં યુવાનો જ નહિ પરંતુ સગીર અવસ્થામાં પણ આપઘાતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ધીરજ ન રાખતા સગીરાઓ પણ મોત મીઠું કરવા લાગતાં સમાજ માટે ભયજનક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભાયાવદરમાં માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતાં પુત્રીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાયવદરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતી અસ્મિતા ભરતભાઈ સોલંકી નામની 13 વર્ષીય સગીરાએ ગત મોડી રાત્રીના રસોડામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તેણીને તુરંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબી જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ છે. આ અંગે જાણ થતાં ભાયાવદર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભરતભાઈ સોલંકી પરિવાર સાથે સુરત રહેવા ગયા હતા. એક મહિના પહેલા જ તેઓ ભાયાવદર ખાતે પરત આવ્યા હતા. બે દિવસ પહેલા માતાએ અસ્મિતા પાસેથી મોબાઇલ લઈ લીધો હતો અને સીમ કાઢીને તેણીને ઠપકો આપ્યો હતો. ગઇ કાલે અસ્મિતાને કઈ ખોટું ન લાગ્યું હોય તેમ લાગતું હતું પરંતુ મોડી રાત્રીના સગીરાએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.