તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત
ભાયાવદર શહેર ભાજપ દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઇ મોદીને ભાયાવદર શહેરમાંથી પસાર થતા ઉપલેટા તરફ જતા રસ્તા તથા અરણી તરફ જતા રસ્તા પર બનેલ પુલોની નબળી કામગીરી બાબતે રજૂઆત કરી છે.
ભાયાવદરમાં મધ્યમાંથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો રસ્તો પસાર થાય છે. જેમાં એક તરફ ભાયાવદરથી ઉપલેટાને જોડતો રસ્તો તથા બીજી તરફ ભાયાવદરને બાજુના ગામ અરણીને જોડતા રસ્તાનો સમાવેશ થાય છે. આ બંને રસ્તાઓ થોડા સમય પહેલા જ માર્ગ અને મકાન વિભાગ હસ્તક બનાવેલ છે. બંને રસ્તાઓ પૈકી અરણી ભાયાવદરને જોડતો રસ્તો ક્લાસિક એજન્સી દ્વારા ખૂબ જ સારો બનાવેલ છે.
પરંતુ આ રસ્તા પર પાછળથી પુલનું કામ કરવામાં આવેલ છે. આ પુલનું કામ ખૂબ જ નબળું તથા કોઇપણ જાતના લાઇન લેવલ વિનાનું થયેલ છે. આવી જ પરિસ્થિતિ ઉપલેટા ભાયાવદર રસ્તાની પણ છે.આ પુલમાં થોડા સમય જ કામ થયેલ હોવા છતાં સિમેન્ટનું ઉપરનું લેયર રફ થયેલ છે. શહેરમાંથી પસાર થતો રસ્તો આરસીસી બનાવેલ છે. જેમાં થોડા સમયમાં જ ઉપરનું સરફેસ રફ થયેલ છે અને તીરાડો પડી ગયેલ છે. આમ આ તમામ કામો ખૂબ નબળી થયેલ છે. જે આ કામોમાં ભ્રષ્ટાચાર થવા તરફ ઇશારો કરે છે.
આ તમામ કામોની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર એજન્સી કે કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ પુલના કામોનો તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અન્યથા અમોને આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડશે. તેમ અંતમાં ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.