રૂ.2400ના હપ્તાની ઉઘરાણી કરવા નીકળેલા આઠ શખ્સોએ માર માર્યો: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
રાજકોટના ભાયાવદર ગામે યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણી ઉપર 8 જેટલા શખ્સોએ બજાજ ફાઇનાન્સમાંથી લીધેલું એસીનો ચડત રૂ.2400નો ચડત હપ્તો ભરવાનું કહી ગેરકાયદેસર મંડળી રચી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ભાયાવદર ગામના યુવા ભાજપ પ્રમુખ હાર્દીક ગીરીશભાઇ રામાણી (ઉ.વ.32)એ કરેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ભાયાવદરમા બાલાજી ટેલિકોમ નામની મોબાઈલની જુના બસ સ્ટેન્ડ ચોક પાસે દુકાન છે. તેમજ બજાજ ફાઈનાન્સના હપ્તા પર મોબાઈલની લે-વેચ કરે છે. ગત તા.17મી મેંના રોજ સાંજના 8:30 વાગ્યાની આસપાસ હું મારી દુકાનની સામેની બાજુ ઉભો હતો અને આમારા ગામના હરેશ બરોચિયા દુકાનની બહાર બેઠેલ હતા. ત્યારે હુ સામેની બાજુથી ચાલીને મારી દુકાન તરફ આવતા અચાનક ચાર મોટરસાયકલ ડબલ સવારીમાં આઠ શખ્સો દોડી આવ્યા હતા. જેમા પ્રથમ બે જણા કલ્પેશ બારોટ તથા મયંક વાડોદરીયા જે બંને ઉપલેટા રહે છે, તે બંને મને પકડી જેમ ફાવે તેમ મને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
ત્યાર બાદ પ્રકાશ ઉર્ફે કારો જોગલ જે ઉપલેટા રહે છે તે તથા તેની સાથેના પાંચ અજાણ્યા શખસો આવી મને પકડી આડેધડ ઢીકા પાટુ મારવા લાગ્યો હતો. ત્યાર બાદ ત્યા મારો ભાઈ કેનીલ તથા દિનેશભાઈ મેદપરા મને બચાવવા વચ્ચે પડયા અને મને વધુ મારમાથી બચાવ્યો હતો. જતા જતા આ લોકો મને ધમકી આપતા ગયા હતા કે હપ્તાના બાકી પૈસા ભરી દેજે નહીતર તને જાનથી મારી નાખીશું. જેમાં ઘવાયેલા ભાજપ આગેવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફરિયાદમાં હાર્દિકભાઈ રામાણીએ જણાવ્યું હતું કે આ બધા લોકો ભેગા મળી મારી બજાજ ફાઈનાન્સમાં લીધેલું એસી રૂ.2400નો હપ્તો ભરવાનો બાકી હોય, જે હપ્તો હુ ચુકી ગયો હોય જેની ઉઘરાણી મારી પાસે કરી મને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.