ઝાલાવડ પંથકમાં દેશભકિતનો અભૂતપૂર્વ માહોલ
ભારત માતા કિ જયના ગગનભેદી નાદ સાથેની યાત્રામાં કલેકટર, એસ.પી. કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, શિક્ષણવિદો, આગેવાનો પણ જોડાયા
3.5 કી.મી. લાંબી તિરંગા યાત્રામાં પ000 થી વધુની મેદની સ્વંયભૂ ઉમટી પડી
સુરેન્દ્રનગરમાં 1પપ1 ુટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્યો, કલેકટર, એ.પી., સામાજીક આગેવાનોએ પગપાળા જોડાઇને તિરંગા યાત્રામાં દેશ ભકિતનો માહોલ ઉભો કર્યો હતો.
’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતનાં મહાનુભાવોનાં હસ્તે ’વંદે માતરમ’, ’ભારત માતા કી જય’ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000 થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.
યાત્રાનાં માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયનાં પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ ’વંદે માતરમ’, ’ભારત માતા કી જય’ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે “મેરી મિટ્ટી, મેરા દેશ”, “હર ઘર તિરંગા” અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ પર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
યાત્રાના સમાપન પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા અભિયાન” અને “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી ભવ્ય તિરંગા યાત્રા પહેલા ક્યારેય સુરેન્દ્રનગરમાં નીકળી નથી. આ યાત્રાને જોવા માટે આખું સુરેન્દ્રનગર હિલોળે ચડ્યું હતું, જે અત્યંત હર્ષની વાત છે. રાધે રાધે પરિવાર, ગાંધીનગર દ્વારા 1551 ફૂટનો લાંબો તિરંગો યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો.
સ્કૂલના બાળકો, એન.સી.સી., પોલીસ, હોમગાર્ડના જવાનો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને તિરંગા યાત્રામાં સહભાગી બનીને દેશપ્રેમની સુંદર અભિવ્યક્તિ કરવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણએ પણ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા જ્યારે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. યાત્રામાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, અગ્રણીહિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશ પટેલ સહિતના પદાધિકારીઓ-આગેવાનો, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, જિલ્લા પોલિસ વડા ગીરીષ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર મુકેશ પટેલ, ચોટિલા પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન. બારોટ, યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
‘વિશાળ કાય તિરંગો’ રાજ્યભરમાં 32 જેટલી તિરંગા યાત્રામાં થયો સહભાગી
સુરત ખાતે બનેલો આ તિરંગો 1551 ફૂટ લાંબો, 10 ફૂટ પહોળો છે – 5 મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને યાત્રા દરમિયાન 500 જેટલા સહભાગીઓ ઉંચકે છે..
’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર બન્યો હતો 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ તિરંગો. આ તિરંગો રાધે રાધે પરિવાર ગ્રુપ, ગાંધીનગરનાં યુવાનો દ્વારા સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તન્મય પટેલ, જીગ્નેશ પટેલ, જીગ્નેશ વણકર સહિતના લોકોની ટીમ આ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલી છે. આ તેમની 1551 ફૂટનાં વિશાળ તિરંગા સાથે 33મી તિરંગા યાત્રા હતી. રાધે રાધે પરિવાર સાથે જોડાયેલા કૌશિક પ્રજાપતિએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશના યુવાનોમાં દેશપ્રેમ ઉજાગર કરવાના હેતુથી અમે 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રાનું આયોજન કરીએ છીએ. અમે અગાઉ ગાંધીનગર, કડી, મુંબઈ, કાગવડ, અડાલજ, કલોલ જેવા અલગ-અલગ 32 સ્થળોએ શૌર્ય મહાયાત્રા યોજી છે.