ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે મેઘાણી ગીતો થકી સ્વરાંજલિ આપી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની ૮૧મી જન્મજયંતી નિમિત્તે ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ તથા અમદાવાદ-નિવાસસ્થાન ખાતે ‘ભાવાંજલિ’ અર્પણ થઈ. પુત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સતત પથદર્શક રહેલાં સ્વ. કુસુમબેન મેઘાણીએ ૮૦ વર્ષની વયે ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી હતી.
ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે કોર્નરની સ્થાપના ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનું ગ્રંથાલય ખાતુંનાં સૌજન્યથી થઈ. ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં.
પિનાકી મેઘાણી, મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, લોકગાયિકા રાધાબેન વ્યાસ, સ્વ. કુસુમબેનનાં ભાણેજ ડો. અમિતાબેન શાહ-અવસ્થી અને રૂપાબેન-ભરતભાઈ-મિતાલી મહેતા, સુરેન્દ્રનગર જિલ્લા ગ્રંથપાલ લલિતભાઈ મોઢ, નાયબ ગ્રંથપાલ વિમલગિરી ગોસ્વામી, અલ્પેશભાઈ નકુમ અને અનિશભાઈ લાલાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ગોવિંદસંગ ડાભી, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), નેશનલ યુથ પ્રોજેક્ટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલિયા, જતીનભાઈ ઘીયા, શૈલેષભાઈ સાવલિયા, પિયૂષભાઈ વ્યાસ, વાલજીભાઈ પિત્રોડા (વિશ્વકર્મા ફર્નીચર), દેવેનભાઈ-માલિનીબેન બદાણી, અજયભાઈ-નિરૂપમાબેન શાહ, તુષારભાઈ-દર્શનાબેન શાહ, ગિરિશભાઈ-જયશ્રીબેન વાજા, કાજલબેન શાહ, રેખાબેન અવસ્થી ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્વ. કુસુમબેન મેઘાણી પ્રત્યે સવિશેષ આદર અને લાગણી ધરાવતાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો થકી અંજલિ આપી હતી.નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર પ્રાધ્યાપક રહી ચૂકેલાં સ્વ. કુસુમબેન મેઘાણીને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.