આજે વહેલી સવારેથી ભોળીયાનાથને રીઝવવા ભક્તોએ કર્યા અભિષેક, મહાપૂજા : મંદિરમાં અદભુત શણગાર
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ હર હર શંભુના નાદ ગુંજી ઉઠ્યા
શ્રાવણ માસમાં ભવનાથમાં બિરાજતા શિવજી નું અતિ મહત્વ રહેલું છે.ભવનાથ એટલે કે આખા ભાવનો નાથ…જૂનાગઢ ના ગિરનાર તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ દર્શન કરવા લોકો દૂર દૂર થી આવે છે અને મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસની શરૂઆત થઈ છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મંદિર ખાતે શિવ આરાધકોની ભારે ભીડ જોવા મળી હતી. આજે જૂનાગઢ શહેરના વિવિધ શિવમંદિરોમાં તેમજ તળેટી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ભવનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી અને ગિરનારની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવની પૂજા અર્ચના કરતા હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠયું હતું. શ્રાવણ માસમાં ભવનાથના દર્શન કરીને ભક્તોએ જણાવ્યું હતું કે તેઓ અહીં દર્શન કરીને જીવનને ધન્ય માને છે અને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ખુબ જ આનંદ અનુભવે છે. તેમને ભોળાનાથના સાનિધ્યમાં જે ખુશીનો અહેસાસ થાય છે તેનું કોઈ વર્ણન ન કરી શકાય.
પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ ત્યારે ગિરનારની પવિત્ર ભૂમિ પર ભવનાથ મહાદેવ બિરાજમાન છે, ત્યારે આજે મોટી સંખ્યમાં ભાવિકો દર્શન નો લાભ લેવા આવી રહ્યા છે અને હર હર શંભુના નાદથી ભવનાથ મંદિર અને તળેટી વિસ્તાર ગૂંજી ઉઠયો હતો. શ્રાવણ માસની શરૂઆત થતા મહાદેવના આરાધકો મોટી સંખ્યામાં ભવનાથ મંદિર આવી રહ્યા છે અને વધુમાં વધુ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આમ આખા શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢ સહિત દૂર દૂર ભાવિક ભક્તો આવશે અને મહાદેવના દર્શન કરી આરાધના કરીને શિવ ભક્તિમાં લીન થઈ જશે..
ભવનાથ મંદિરનો ઇતિહાસ
જૂનાગઢના શિવાલયો હાલ મહાદેવ હર ના નાદથી ગુંજી ઉઠ્યા છે. જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આવેલું ભવનાથ મંદિર લોકોમાં ભારે આસ્થા ધરાવે છે. ભગવાન શિવના આરાધ્ય સ્થળ ભવનાથ અંગે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. જેમાં જૂનાગઢમાં સાક્ષાત શિવજી અહીં અનાદિકાળથી બિરાજમાન છે. જેમાં સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે, ત્યારે મહાદેવ તેમને જણાવે છે કે, સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે. જ્યાં બિલિપત્રના ઝાડની મધ્યમાં મારું લિંગ છે. જેમાં મહાશિવરાત્રીના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને તે શિવલિંગની પૂજા કરે છે. તેમજ તે આખી રાત જાગરણ કરીને પૂજા-અર્ચના કરે છે.
અહી એક પારધીએ બીલીના વૃક્ષ નીચે બેસીને પૂરી રાત બીલીપત્રો તોડીને અપૂજ શિવલિંગ મૂક્યા અને ભવ તરી ગયો હતો. લોકવાયકા મુજબ મહાવદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવે પણ શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ શિવલિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત થયું હતું. હાલ ભવનાથ તરીકે ઓળખાય છે.ભવનાથ શબ્દનો અર્થ થાય છે, ભવનો નાશ કરનારો. હાલનું ભવ્ય મંદિર વર્ષ 2000માં નવનિર્મિત થયું છે.
અબતક ચિરાગ રાજ્યગુરુ જુનાગઢ