ગરવા ગિરનારની ગોદમાં આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીને મહા વદ નોમથી શરૂ થતા મહાશિવરાત્રી મેળાની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળાને યોજવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે.ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને આજ રોજ મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા ભવનાથના મેળાને મંજૂરી જિલ્લા કલેક્ટર રચિત રાજ દ્વારા આપવામાં આવી હતી.
કોરોનાને કારણે ભવનાથના મેળાને મંજૂરી મળશે કે કેમ તેને લઈને આશંકા હતી. જોકે, આ વખતે રાજ્યભરમાં કોરોનાના વળતાં પાણી થવાના કારણે ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ગરવા ગિરનારની ગોદમાં ભરાતો ભવનાથનો મેળો ભવ્યાતિ ભવ્ય રીતે આ વર્ષે યોજી સકાશે
ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે.