- પિતા જન્મ દિવસની શુભેચ્છા પાઠવી ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ
- ચાર દિવસ બાદ વતનની વાટ પકડે તે પૂર્વે અનંતની વાટ પકડતા ગરાસીયા પરિવારમાં શોકનું મોજું: પાર્થિવદેહ એરપોર્ટ પહોંચતા હૈયાફાટ રૂદન
એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર રેન્ક ધરાવતા ભાવનગરના યુવાને ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન તેની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. તેમના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને વતન ખાતે લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઈન્ડિયન એરફોર્સમાંની પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા (ઉ.વ.25) એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પુર્ણ કર્યાં બાદ ગ્વાલિયર તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ટ્રેનિંગ ગ્વાલિયરમાં ચાલતી હતી અને ત્યાં તેમણે આ પગલું ભર્યું હતું. તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેનો નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરે છે. નોકરીના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું છે. ભણવામાં ખુબ તેજસ્વી હતો. તેના મૃતદેહને લવાઈ રહ્યો છે. 14મી તારીખે તેના પિતા પ્રદ્યુમ્નસિંહનો જન્મદિવસ હતો અને શુભેચ્છા આપી તેણે ગળાફાંસો ખાધો, સ્થાનિક પોલીસને તેની ડાયરીમાં હેપી બર્થ-ડે, પપ્પા… તેવું લખેલું મળ્યું હતું. ચાર દિવસ બાદ તેને રજા મળવાની હોવાથી ભાવનગર આવવાનો હતો પરંતુ તેણે આ પગલું ભરી લીધું હતું.