કરોડો રૂપિયાની ટેકસ ચોરી ભારત અને હોંગકોંગમાં કર્યા હોવાનો ખુલાસો થતા ૩૦ અધિકારીઓની ટીમ મેદાનમાં ઉતરી
સમગ્ર ભારતમાં જે કરચોરો છે તેના પર તવાઈ બોલાવવા અને કરની વસુલાત કરવા માટે આવકવેરા વિભાગ સજ્જ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત આવકવેરા વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ટેકસ ચોરી કરનાર ભાવનગર અને મુંબઈ સ્થિત પ્રિયા બ્લુ શીપ બ્રેકિંગ કંપની ઉપર ધોસ બોલાવી હતી અને અનેકવિધ બેનામી દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. આવકવેરા વિભાગે હોંગકોંગનાં અધિકારીઓને સાથે રાખી તમામ નાણાકીય વ્યવહારો અને દસ્તાવેજોને જપ્ત કર્યા હતા. સુત્રો દ્વારા મળતી વિગત મુજબ પ્રિયા બ્લુ શીપ બ્રેકિંગ કંપનીએ કરોડો રૂપિયાની કરચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. હોંગકોંગમાં પણ કાર્યરત રહેતી શીપ બ્રેકિંગ કંપની માટેનાં તમામ નાણાકિય વ્યવહારો અને દસ્તાવેજોને જપ્ત કરવા માટે કેન્દ્ર સરકારની એજન્સી સહભાગી થઈ મોટા સ્કેન્ડલ પરથી પડદો પાડશે.
આવકવેરા વિભાગ દ્વારા આ અંગે હજુ થોડા વધુ સમયની માંગણી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ સમયગાળા દરમિયાન ટેકસ ચોરી સાથોસાથ બેનામી બેંક લોકરોની પણ વિગતો આવકવેરા વિભાગને પ્રાપ્ત થયેલી છે. મુંબઈ સ્થિત ભાવનગરની શીપ બ્રેકિંગ કંપનીની ઓફિસ અનેકવિધ સ્થળો પર હોવાથી આવકવેરા વિભાગનાં ૩૦ જેટલા અધિકારીઓની ટીમ દ્વારા સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે આવકવેરા વિભાગનાં અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તપાસનાં અંતે ઘણા ખરા દસ્તાવેજો અને કિંમતી વિગતો અને ચીજ-વસ્તુઓ ઘણી ખરી સામે છે. આઈટી વિભાગ દ્વારા ખાસ ૩૦ અધિકારીઓની ટીમ સર્ચ ઓપરેશન કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી હતી. સર્ચ દરમિયાન અધિકારીઓએ હોંગકોંગ અને ભારતમાં કંપની દ્વારા કરોડો રૂપિયાની કરચોરી આચરી હોવાનાં સબુત પણ એકઠા કર્યા હતા.
આ અંગે અધિકારીઓ દ્વારા કંપનીનાં તમામ નાણાકિય રેકોર્ડને વિગતવાર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને કરચોરી કેવી રીતે કરી તે અંગેની મોડેસ ઓપરેન્ડી પણ જાણવામાં આવી રહી છે. આ કેસ સાથે જે કોઈ લોકોનાં નામ સામે આવ્યા છે તેઓને પણ અધિકારીઓએ રડારમાં લઈ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. કયાંકને કયાંક સુત્રોનાં જણાવ્યા અનુસાર ભારતમાં અને વિદેશ સાથે સંબંધ ધરાવતી પ્રિયા બ્લુ શીપ બ્રેકિંગ કંપની પર સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોય તેવું લાગી રહ્યું છે જે તપાસનાં અંંતે ઘણા ખરા નવા ખુલાસાઓ સામે આવશે તે પણ માનવામાં આવી રહ્યું છે.