- રોડ સેફટીની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે જનજાગૃતિના કાર્યક્રમોને વધુ સઘન બનાવવાં અધિક કલેક્ટરની સુચના
ભાવનગર: અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયંત્રણ અર્થે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી હેઠળ કાર્યરત ભાવનગર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં અકસ્માતના બનાવોને નિવારવા માટે જરૂર જણાય ત્યાં ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા, ડ્રાઇવ યોજવા, અકસ્માત વાળી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા, માર્ગ અકસ્માત બ્લેક સ્પોટ વર્ષ ૨૦૨૨-૨૩ની ઓળખ પ્રક્રિયા, ભાવનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ થતાં અકસ્માત નિવારવા શોર્ટ ટર્મ મેઝર તથા લોગ ટર્ન મેઝર લેવા માટે જગ્યાનું નિરીક્ષણ કરવા, ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા જિલ્લામાં અકસ્માતના બનાવો બનતા હોય તે જગ્યાની આસપાસ દુકાન, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરન્ટસ તથા નજીકના ગામના લોકોને ફર્સ્ટ એઇડની તાલીમ આપવા અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું.
આર. ટી. ઓ. ઓફિસરએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.