ફાયરિંગ કર્યાનો નોંધાતો ગુનો: સામાપક્ષે હુમલો કર્યો હોવાનો પણ આક્ષેપ
ભાવનગરમાં અધેવાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કોમન પ્લોટમાં વાહન પાર્ક કરવા બાબતે થયેલી માથાકૂતમાં નિવૃત આર્મીમેન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આર્મીમેન સામે ફાયરિંગનો ગુનો નોંધી વધુ તજવીજ હાથધરી છે. તો સામાપક્ષે આર્મીમેન પર પણ હુમલો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના અધેવાડાના માલણકા રોડ પર આવેલી શિવેશ્વર સોસાયટીમાં પ્લોટ ૧ થી ૫ એફમાં છેલ્લા ૩ વર્ષથી રહેતા છગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ પર તેમની બાજુમાં જ રહેતા નિવૃત્ત આર્મીમેન લાલજી રઘા ડાભી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.
આ અંગે મળતી વધુ વિગત મુજબ શિવેશ્વર સોસાયટીમાં રહેલા કોમન પ્લોટમાં ઝાડવા નીચે વાહન કરવા મામલે આર્મીમેન લાલજી દ્વારા રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ છગનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વાહન પાર્ક કરવા મામલે બોલાચાલી કરી આર્મીમેન દ્વારા પોતાના પાસે રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા એક ગોળી ફરિયાદીને સાથડના ભાગે ઇજા થઈ હતી. તો બીજો રાઉન્ડ છાતીના ભાગે કર્યો હોવાનું જણાવ્યું હતું.
તો સામાપક્ષે નિવૃત આર્મીમેન લાલજીભાઈ ડાભીએ પણ તેમના પુત્રો અને પોતાના પર સામાપક્ષે હુમલો થયો હોવાનું જણાવ્યું હતું. જેમાં છગન પ્રભાશંકર ભટ્ટ તથા તેના પુત્રો મેહુલ અને પીયુશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, છગનએ સોસાયટીના કોમન પ્લોટમાં તેમની ગાડી પાર્ક કરવા આવ્યા ત્યારે કહ્યું હતું કે હું છેલ્લા ૬ માસથી કોમન પ્લોટની સાફસાફાઈ કરાવું છું જેમાં તમે કોઈ પણ પ્રકારનો સહયોગ આપતા નથી. જેથી તેઓ ઉશ્કેરાઈ જઈ તેમના પુત્રોને બોલાવી ઢીકાપાટુ વડે માર માર્યો. આથી મેં મારા સ્વબચાવમાં મારી લાઈસન્સવાળી બંદૂકથી છગનભાઈના પગ પર ફાયરિંગ કર્યું ત્યારે મારા પાડોશી દિલીપભાઈ આવી ગયા બાદ બીજો રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ મામલે ભરતનગર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
ભાવનગરમાં ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ દ્વારા એક્સ આર્મીમેન લાલજીભાઈની લાયસન્સવાડી રિવોલ્વર કબ્જે કરી તેમની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે. જેથી આજરોજ ઘટના સ્થળ પર સઘન તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર આવી જાત નિરીક્ષણ કરશે તેવું સામે આવ્યું છે. પોલીસે સામસામે બંને પક્ષે ફરિયાદ નોંધી ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.