પ્રથમ દિવસના સત્સંગમાં પૂજ્ય દીપકભાઈની જ્ઞાન સરવાણીમાં ભાવનગરવાસીઓ થયા તરબોળ

આજે જ્ઞાનવિધિ – આત્માનો અનુભવ કરાવતો અદ્ભુત ભેદ જ્ઞાન પ્રયોગ

ભાવનગર: ધર્મમાં મતમતાંતર ટળે એવી પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવનાને સાકાર કરતા નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ભાવનગર ખાતે શરુ થઇ ગઈ છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ અંતર્ગત શુક્રવાર 16 ફેબ્રુઆરીના રાત્રે 7 થી 10 દરમ્યાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી પ્રશ્નોના સમાધાન માટે પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાની ડો. નીરુમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન થયું હતું. ભાવનગર અને આસપાસના વિસ્તારોના મુમુક્ષુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્યશ્રીના સત્સંગનો લાભ લીધો હતો.આજે સાંજે 6:30 વાગે આત્મસાક્ષાત્કાર પામવાના અદ્ભુત ભેદજ્ઞાન પ્રયોગ જ્ઞાનવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ અલૌકિક પ્રયોગ રાજકોટ-ભાવનગર હાઈવે સ્થિત રંગોલી પાર્ક નજીક નિર્માણ થયેલા નિષ્પક્ષપાતી ત્રિમંદિરના મહોત્સવ સ્થળે યોજાશે. જે જ્ઞાન ઋષભદેવ ભગવાને ભરત ચક્રવતી રાજાને આપ્યું હતું, જેના વડે વિશાળ રાજપાટ હોવા છતાં ભરત રાજા આત્માના ધ્યાનમાં રહી મોક્ષે જઈ શક્યા. જે જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર આપ્યું હતું, જેના કારણે ભીષણ યુદ્ધ કરવા છતાં અર્જુન તે જ ભવમાં મોક્ષના અધિકારી બન્યા. તેવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આ કાળમાં પણ શક્ય બન્યું છે, ફક્ત 2 કલાકમાં આત્માનો અનુભવ સ્પર્શી શકે તેવા જ્ઞાનવિધિના અદ્ભૂત વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા. સાકર ગળી છે શબ્દો બોલવાથી તેની મીઠાશ અનુભવાતી નથી. પણ જયારે સાકરનો ટુકડો કોઈ મોઢામાં મૂકી આપે પછી સાકર કેવી ગળી છે? તેનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે જ્ઞાનવિધિ બાદ આત્માનો એક વખત અનુભવ થયા પછી તેની પ્રતીતિ જતી નથી. અને તેથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ રહી શકે છે.

જ્ઞાનવિધિમાં પ્રથમ અડતાલીસ મિનિટ પૂજ્ય દીપકભાઈ દ્વારા આત્મા-અનાત્માના ભેદ પાડનારા વાક્યો બોલાવવામાં આવે છે. ત્યાર બાદ તેઓ વ્યવહારિક ઉદાહરણ સાથે પાંચ આજ્ઞાઓની વિગતવાર સમજણ આપે છે. પાંચ આજ્ઞામાં નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મો સંપૂર્ણ પૂરા થાય તેવી રીતે જીવન પસાર કરવાની ચાવીઓ મળે છે જેનાથી સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એક પણ ચિંતા કે દુ:ખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રાપ્ત થાય છે.મહોત્સવના છેલ્લા દિવસે ત્રિમંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ તમામ ભગવંતો અને દેવી-દેવતાઓની ભાવ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. રવિવાર,18 ફેબ્રુઆરીએ સવારે 10 થી 12.30 દરમ્યાન પૂજય દીપકભાઈ દ્વારા કરવામાં આવશે. આખો દિવસ ચાલનારા કાર્યક્રમમાં સાંજે 4.30 થી 7.30 દરમ્યાન બધા ભગવંતોના પ્રક્ષાલ-પૂજન-આરતી થશે. ત્યારબાદ ત્રિમંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે. રાત્રે 9 થી 10.30 મંદિર પરિસરમાં ભક્તિનું આયોજન પણ કરવામાં આવ્યું છે.ધર્મમાં મતમતાંતર ટળે એવી પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવનાને સાકાર કરતા આ ત્રિમંદિરની વિશેષતા એ છે કે તેમાં વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, શ્રીકૃષ્ણ તેમજ શિવ એમજૈન, વૈષ્ણવ તથા શૈવ આ હિન્દુ પરંપરાના ત્રણ મુખ્ય સંપ્રદાયોના ભગવંતોના દર્શન એક જ છત્ર નીચે કરી શકવાનું શક્ય બન્યુ છે.

ભાવનગર ત્રિમંદિરની વિશેષતાઓ

15,000 ચોરસફૂટ ક્ષેત્રફળ ધરાવતા દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં 9 ફૂટ ઊંચા વીતરાગી મુદ્રામાં બેઠેલ તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની ભવ્ય પ્રતિમા સાથે શ્રી કૃષ્ણ ભગવાન અને શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે. ભાવનગર ક્ષેત્રના રક્ષકદેવી ખોડિયાર માતાજી તેમજ આદ્યશક્તિ અંબા માતા, પદ્માવતી માતા, ચક્રેશ્વરી માતા, ભદ્રકાળી માતા, શ્રીનાથજી, તિરુપતિ બાલાજી, સાંઈબાબા, હનુમાનજી અને ગણપતિજીના દર્શન પણ અહીં થઇ શકશે. આ ઉપરાંત, સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન તેમજ આવતી ચોવીસીના તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુનું પણ અહીં સ્થાપન કરવામાં આવેલ છે.આશરે અડધો લાખ ચોરસફૂટમાં પથરાયેલ ત્રિમંદિર સંકુલમાં 1500 વ્યક્તિઓ બેસી શકે એવો 20,000 ચોરસફૂટનો સત્સંગ હોલ, સાત્વિક ભોજન પીરસતી ભોજનશાળા અને ફૂડ કોર્ટ તેમજ રહેવા માટે આધુનિક સુવિધા ધરાવતા અતિથીગૃહનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.હાલમાં, વધુ ત્રણ ત્રિમંદિરો વેરાવળ, પુના અને મુંબઈ નજીક આવેલ થાણા ખાતે આકાર લઈ રહ્યા છે.આ નિષ્પક્ષપાતી ત્રિમંદિર ભાવનગર અને આસપાસના ગામો માટે એક મોટું ધર્મ અને અધ્યાત્મનું કેન્દ્ર બની રહેશે.વધુ માહિતી માટે વેબસાઇટ મફમફબવફલૂફક્ષ.જ્ઞલિ અથવા િશિંળફક્ષમશિ.જ્ઞલિની મુલાકાત લઈ શકો છો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.