ભાવનગરથી ગાંધીનગર સુધીની ઈન્ટરસિટી ટ્રેન(નંબર-19204)ની આજથી શરૂઆત થઈ છે. આ ઈન્ટરસિટીને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન દૈનિક સવારે 8.15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડીને બપોરે 2.35 કલાકે ગાંધીનગર પહોંચશે.

જ્યારે ગાંધીનગરથી આ ઈન્ટરસિટી(19203) સાંજે 5.45 વાગ્યે ઉપડીને રાતના 11 અને 55 વાગ્યે ભાવનગર પહોંચશે. આ ટ્રેનમાં અમદાવાદ આવવા માગતા લોકોને આંબલી રોડ સ્ટેશને ઉતરવાનું રહેશે.

ભાવનગરથી ઉપડનારી ઈન્ટરસિટી સિહોર,ધોળા,બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ અને આંબલી રોડ(અમદાવાદ) થઈને ગાંધીનગર પહોંચશે. આ ટ્રેનમાં 2 સાધારણ ચેરકાર, એક એસી ચેરકાર, 5 જનરલ કોચ અને 2 એસ.એલ.આર. સહિત કુલ 10 કોચ છે. આ ટ્રેનમાં રિઝર્વેશન પણ શરૂ થઈ ગયું છે.

સામાન્ય ચેરકારમાં ભાવનગરથી ગાંધીનગરનું ભાડું રૂ.120 રૂપિયા તથા એસી ચેરકારનું ભાડું રૂ.440 છે. જ્યારે ભાવનગરથી આંબલી રોડ(અમદાવાદ આવવા માટે)નું સાધારણ ચેરકારનું ભાડું રૂ.115 જ્યારે એસી ચેરકારનું ભાડું રૂ.420 છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.