નીચા કોટડા ગામ નજીક અલ્ટ્રાટેક કંપનીને માઈનીંગ માટે આપવામાં આવેલી મંજુરી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડુતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ છોડવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો: ૯૦થી વધુ ખેડુતો પર કરાયેલા કેસ પાછા ખેંચવાની માંગ
મહુવામાં અલ્ટ્રાટેક કંપનીને માઈનીંગ માટે આપવામાં આવેલી મંજુરી સામે હજારથી વધુ ખેડુતોના ટોળાએ વિરોધ પ્રદર્શન યોજયું હતું. આ વેળાએ પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયરગેસ છોડીને ૯૦થી વધુ ખેડુતોની અટકાયત કરી તેની સામે કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં આજે ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે પણ આખા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
મહુવા તાલુકાના નીચા કોટડા ગામ નજીક સરકારે અલ્ટ્રાટેક કંપનીના માઈનીંગ માટે મંજુરી આપી છે. જે અર્થે ૧૩ ગામની જમીન લીઝ પર આપવામાં આવી છે. માઈનીંગ માટે અપાયેલી મંજુરીના વિરોધમાં સમગ્ર પંથકના હજારથી વધુ ખેડુતોના ટોળાએ વિરોધ પ્રદર્શન યોજયું હતું. આ સમયે પોલીસે બળપ્રદર્શન કરીને ખેડુતો પર લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલ છોડયા હતા.
લાઠીચાર્જથી અનેક ખેડુતો ઘવાયા પણ હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૯૦થી વધુ ખેડુતોની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી કેસ દાખલ કર્યો હતો. ખેડુતો સામે થયેલા પોલીસ દમનના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ઠેક-ઠેકાણે ખેડુતો પર થયેલા પોલીસ દમનના વિરોધમાં કલેકટરો, પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારોને આવેદનો આપવામાં આવી રહ્યા છે સાથે આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનો કરવાની ચીમકીઓ પણ આપવામાં આવી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં ‘કલ હમારા યુવા સંગઠન’ તેમજ ‘કોળી સમાજના સંગઠન’ દ્વારા આજે ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે.
સંગઠનોની માંગણી છે કે, પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં અનેક ખેડુતો ગંભીર રીતે ઘવાયા હતા ત્યારે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત ખેડુતો સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે. વિવિધ સંગઠનો આજે મહુવા પંથકના ખેડુતોની વ્હારે જઈને ભાવનગર બંધનું એલાન આપ્યું છે.
જેના પગલે પોલીસે સતર્ક બનીને મામલો વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો છે. વહેલી સવારથી જ ભાવનગર શહેર પોલીસના તમામ જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. શહેરના દરેક ચોકમાં પોલીસ જવાનોની ટીમો બનાવીને તેને તૈનાત રાખી દેવામાં આવી છે. અલ્ટ્રાટેક કંપનીને માઈનીંગ માટે મંજુરી આપવામાં આવતા સમગ્ર પંથકના ખેડુતોમાં વિરોધ વંટોળ ફુંકાયો છે. વધુમાં વિરોધ પ્રદર્શન કરીને ખેડુતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
હાલ આ ઘટનાના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પડઘા પડયા છે. જોકે છેલ્લા થોડા દિવસથી આ ઘટનાના વિરોધમાં અનેક તાલુકા મથકે તેમજ જિલ્લા મથકે ખેડુતો દ્વારા અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. આજે પણ ભાવનગર બંધનું એલાન આપીને આ ઘટના સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જો આ મામલે તાકીદે કાેઈ પગલા લેવામાં નહીં આવે તો વિરોધ દર્શક કાર્યક્રમો હજુ પણ યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે.