વિશાળ બાઈક રેલી નીકળી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ ભારતીબેન શિયાળ સહિતના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ: મોટી સંખ્યામાં લોકો જોડાયા
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના ઐતિહાસિક વિજય બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારતાં ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના ભવ્ય સન્માન-અભિવાદન માટે ભાવનગર શહેર ભાજપા સહિત સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓ તથા ભાવનગર નાગરિક સમિતિ હેઠળના વિવિધ વેપારી એસોસીયેશનો, સાધુ-સંતો, સામાજિક શ્રેષ્ઠીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભાવનગર ખાતે આવેલ ઇસ્કોન ક્લબ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો.
જેમાં રાજ્યના કેબીનેટ મંત્રી તથા ભાવનગર જીલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સાંસદ ભારતીબેન શીયાળ, ભાવનગર જીલ્લા મહાનગરના પ્રભારી મહેશભાઇ કસવાલા, પ્રદેશ અગ્રણીઓ, સંતો-મહંતો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સંગઠનના હોદ્દેદારો તથા સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીનું સન્માન-અભિવાદન કર્યુ હતુ.
તે પૂર્વે સવારે 8.00 કલાકે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ભવ્ય આભારદર્શન-બાઇક રેલી યોજાઇ હતી, જે જશોદાનગર સર્કલથી પ્રારંભ થઇ શહીદ ભગતસિંહ ચોક – ગંગાજળીયા તળાવ – મોતીબાગ રોડ – કુંભારવાડા સર્કલ – શાસ્ત્રીનગર – સરીતા સોસાયટી – બોરતળાવ – ગૌમતેશ્વરનગર થઇ મસ્તરામ બાપા મંદિર ખાતે સમાપન થયુ હતુ.સમગ્ર રૂટ પર હજારોની સંખ્યામાં સ્થાનિક નગરજનો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીમંડળો, સહકારી આગેવાનો તથા તમામ સમાજના લોકોએ શ્રી જીતુભાઇ વાઘાણીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ આભારદર્શન-બાઇકરેલી દરમ્યાન રાસમંડળીઓ – નૃત્યકલાકારોએ ઢોલ-નગારા-ત્રાંસા તથા સાંસ્કૃતિક નૃત્ય-ગાન સાથે જીતુભાઇ વાઘાણીનું સ્વાગત-અભિવાદન કર્યુ હતુ. આ સત્કાર સમારોહમા ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી તેમને મળેલ સન્માનનો પ્રતિભાવ આપતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ખરા અર્થમાં આ સન્માન ભાવેણાની ધરતીનું સન્માન છે. આ સન્માન એ ગુજરાતનું સન્માન છે. આ સન્માન એ ભારતની ભૂમિનું સન્માન છે. હું તો પ્રતિક માત્ર છું અને ભાજપા સંગઠનની વ્યવસ્થાનો એક ભાગ છું. વિપક્ષે જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ અને આતંકવાદને સમર્થન કર્યું છે, જ્યારે સૌના સાથ, સૌના વિકાસ ના મંત્રને સાર્થક કરતી ભાજપા સરકારે હમેશાં લોકો અને સમાજોને જોડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત સમરસતાના માર્ગે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રપ્રથમની ભાવના તથા સમર્થ નેતૃત્વ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના કુશળ સંગઠકશક્તિ અને નેતૃત્વ ભાજપા સંગઠન સર્વસ્પર્શી ભાજપા – સર્વવ્યાપી ભાજપાના મૂળ મંત્રથી દેશભરમાં જનસેવા અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે ભાજપા આગળ વધી રહ્યું છે.