ભાવનગર નાગરિક સમિતિ દ્વારા આયોજિત “ભારત માતા એકતા કુચ વિરાટ રેલીમાં હજારોની સંખ્યામાં જનતાજનાર્દનની સ્વયંભૂ હાજરી: અભૂતપૂર્વ જનપ્રતિસાદ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાવનગર ખાતે ભારત માતા એકતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા લેવામાં આવેલ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને ઉમળકાભેર સમર્થન આપી દેશની એકતા અને અખંડીતતા સદાય જળવાય રહે તેવા સંદેશ સાથે ભાવનગર ખાતે યોજાયેલ ‘ભારત માતા એકતા કુચ’ વિરાટ રેલીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભુ જોડાયા હતા.
ભારત માતા એકતા કૂચ રેલીનું પ્રસ્થાન ભાવનગર ખાતે આવેલ એ.વી.સ્કુલ ગ્રાઉન્ડથી થયુ હતુ, ત્યારબાદ મોતીબાગ ચોક – ઘોઘા ગેટ – એમ.જી.રોડ – ખાર ગેટ – મામા કોઠા રોડ – બાર્ટન લાઇબ્રેરી થઇ શહીદ સ્મારક ખાતે સમાપન થયુ હતુ. આ રેલીમાં નાગરિક સમિતિના સ્થાનિક પ્રતિનિધિઓ ઉપરાંત ભાવનગરની વિવિધ શૈક્ષણિક, ઔદ્યોગિક તથા સામાજીક સંસ્થાઓ-સંગઠનો, વેપારી મંડળો, સહિત સ્થાનિક અગ્રણીશ્રીઓના સંકલનથી યોજાયેલ આ રેલીમાં ભાવનગરના દરેક ધર્મ-સમાજ-વર્ગોના નાગરિકોએ ૨૦ હજારથી પણ વધુની સંખ્યામાં ઉત્સાહભેર સ્વયંભૂ હાજર રહી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યુ હતું. રેલીના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર સ્થાનિક જનતાએ રેલીનું સ્વાગત કરી ભારત માતાને વંદના કરી હતી. આ રેલીમાં રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી, ભાજપા પ્રદેશ અગ્રણી મહેશભાઇ કસવાલા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વસાંસદ, પૂર્વધારાસભ્ય, ભાજપા મહાનગર/જીલ્લા પ્રમુખ/મહામંત્રીઓ, વિવિધ ધર્મનાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનતાજનાર્દનને સંબોધતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા લેવાયેલ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને વધાવી સૌ નાગરીકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. જે સાબિત કરે છે કે, ભાવનગર અને ગુજરાતની જનતા દેશની એકતા-અખંડિતતા-સાર્વભૌમત્વ અને રક્ષણ માટે કટિબદ્ધ છે.
આ ઉપરાંત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે ગરીબ અને નબળા વર્ગના લોકો વચ્ચે રહી વિવિધ સેવાકાર્યો દ્વારા સાદાઈથી તેમનો જન્મદિવસ મનાવ્યો હતો.