- શાળામાં ભોજન લીધા બાદ ઝાડા-ઉલ્ટીની થઈ અસર
- આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી
- હાલ બાળકોની તબિયતમાં સુધાર
ભાવનગર : પાલીતાણામાં એક સાથે 23 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ખોરાકમાં ભેળસેળ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વધુ ચેતવણી રાખવામાં આવી રહી છે. જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ શકે નહીં.
આ દરમિયાન પાલીતાણામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના બની છે. મળેલી માહિતી મુજબ જામવાળી 2 ગામની પ્રાથમિક શાળાના 23 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. કુલ 120 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થીઓની તબિયત ભોજન બાદ ખરાબ થઈ ગઈ હતી. જેમાં શાળામાં ભોજન લીધા બાદ ઝાડા-ઉલટીની અસર થઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાળકોને પોતાના ઘેર જ સારવાર અપાઇ હતી. સદનસીબે હાલ આ બાળકોની તબિયત સુધારા પર છે. આરોગ્ય વિભાગે નિવેદન આપતા જણાવ્યું હતું કે તમામની તબિયત હાલ સ્થિર છે અને ફૂડ પોઈઝનિંગ સામાન્ય અસર થઈ હતી.