પુત્રને વ્યસનના રવાડે ચડાવવાની શંકાએ બે પાનના વેપારીઓનો સામસામે હુમલો: સાત ઘાયલ
ભાવનગરમાં ગઇ કાલે ભરબપોરે સર.ટી.હોસ્પિટલ પાસે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં કોમી તંગદીલી ફેલાઈ હતી. પુત્રને વ્યસનના રવાડે ચડાવ્યા હોવાની શંકાએ બે પાનના વેપારીઓએ સામસામે હુમલો કર્યો હતો જેમાં સાત લોકો ઘવાયા હતા. જ્યારે બીજી તરફ સશસ્ત્ર ધીંગાણું ખેલાતા વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. જેથી પોલીસના ધાડેધાડા ઉતારી દીધા હતા અને બે મહિલા સહિત ૧૪ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સર.ટી.હોસ્પિટલની બાજુમાં મફતનગરમાં રહેતા અને સર.ટી.હોસ્પિટલ ગેટ નંબર-૩ પાસે શ્રી ભવાની પાનની દુકાન ધરાવતા યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા નામના ૨૨ વર્ષીય યુવાને નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ કાલે બપોરે યુવાન પોતાની દુકાન પાસે હતો ત્યારે બાજુમાં આવેલી બીજી પાનની દુકાનવાળા ઇબ્રાહિમ શેરુ ગાહા નામના શખ્સે ‘તું મારા પુત્ર ઉંમરને કેમ વ્યસનના રવાડે ચડાવે છે’ તેમ કહી માથાકૂટ કરી હતી. બોલાચાલી ઉગ્ર થતા ઇબ્રાહિમ ગાહા, અનવર, સલીમ અનવર ગાહા, ઉંમર ઇબ્રાહિમ, સાયારાબેન ઇબ્રાહિમ ગાહા અને શહેનાઝ અનવર ગાહા સહિતનાઓ છરી અને હથિયાર વડે તૂટી પડ્યા હતા.
સશસ્ત્ર ધીંગાણું ખેલાતા નાસભાગ: પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા: સામસામે બે મહિલા સહિત ૧૪ સામે નોંધાતો ગુનો
બે મહિલા સહિત છ શખ્સોએ છરી અને હથિયાર વડે હુમલો કરતા યશપાલસિંહ, કુલદીપ ઉર્ફે મોન્ટુ અને દિલીપભાઈ ચૌહાણને બેફામ માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે સામાપક્ષે ઇબ્રાહીમભાઇ ઉર્ફે ઇબુ શેરુભાઈ ગાહા નામના ૪૭ વર્ષીય આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ પોતે યશપાલસિંહને પોતાના પુત્ર ઉંમરને વ્યસનના રવાડે ન ચડાવવાનું કહેતા ગઇ કાલે માથાકૂટ થઈ હતી. જેમાં યશપાલસિંહ, દિલીપ લક્ષ્મણ ચૌહાણ, મોન્ટુ દિલીપ ચૌહાણ, દીગુ ઘનશ્યામ લકુમ, બાબુ લાલજી ચુડાસમા, ભોલુ ઘનશ્યામ, શિવદતસિંહ ગોહિલ અને પરથી મહેન્દ્ર નામના શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી ઇબ્રાહીમભાઇ, તેનો પુત્ર ઉંમર અને અનવર તથા ભત્રીજો સલીમ ઘવાયા હતા.
ભરબપોરે ગીચ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં કોમી તંગદીલી સર્જાઇ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસે ધાડેધાડા ઉતારી દીધા હતા. પોલીસે બંને પક્ષે સામસામે બે મહિલા સહિત ૧૪ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.