૧૭ વર્ષ પહેલાં કુટુંબી દાદીની હત્યા કરી લૂંટ ચલાવ્યાની કબુલાત: સોનાના ઘરેણા ખરીદનાર મહુવાના બે સોની વેપારીની ધરપકડ: રૂ.૨.૧૫ લાખના સોના-ચાંદીના ઘરેણા કબ્જે
ભાવનગર અને અમરેલી પંથકમાં એકલવાયું જીવન જીવતા વયોવૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવતા માનસિક વિકૃત શખ્સની અમરેલી એસઓજી સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને પાંચ હત્યા કર્યાની કબુલાત આપી છે. ૧૭ વર્ષ પહેલાં પોતાના જ કુટુંબી દાદીની હત્યા કરી ઘરેણાની લૂંટ ચલાવ્યા બાદ અન્ય ચાર સ્થળે હત્યા અને લૂંટ ચલાવ્યાની કબુલાત આપતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે. લૂંટી લીધેલા સોનાના ઘરેણા ખરીદનાર મહુવાના બે સોની વેપારીની પોલીસે ધરપકડ કરી ત્રણેય પાસેથી રૂ.૨.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
મુળ મહુવાના સેંદરડા ગામે રહેતા મિલન ભકા રાઠોડ નામના ૩૨ વર્ષના રાવળદેવ યુવકને અમરેલી એસ.ઓ.જી. સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામની વૃધ્ધા, મહુવા તાલુકાના લોયંગાની વૃધ્ધા, દેગવડાની વૃધ્ધા અને મહુવાના પ્રૌઢ અને કુટુંબી દાદીની હત્યા તેમજ ધારડી અને જેસરના કાત્રોડી ગામે ચોરી કર્યાની કબુલાત આપી છે.
સાવરકુંડલાના હાડીડા ગામની જાનબાઇ નરશીભાઇ ઘોડાદ્રા નામની ૭૦ વર્ષની પ્રજાપતિ વૃધ્ધાની એક સપ્તાહ પહેલાં ગળેટૂંપો દઇ હત્યા કરી રૂ.૬૩ હજારની કિંમતના સોનાના ઘરેણાની થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા મહુવા તાલુકાના સેંદરડાના મિલન ભકા રાઠોડ નામના શખ્સને અમરેલી એસઓજી સ્ટાફે ઝડપી ભેદ ઉકેલ્યો હતો.
મિલન રાઠોડની પૂછપરછમાં તેને આજથી ૧૭ વર્ષ પહેલા પોતાના જ ગામમાં કુટુંબી દાદી શાંતુબેન નાનજીભાઇ રાઠોડ નામની વૃધ્ધાની હત્યા કરી રૂ.૬ હજારની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે. તેમજ ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પાસેથી એક લાખ વ્યાજે લીધા બાદ તેને પાછા આપવા ન પડે તે માટે તેઓ ખાટલામાં સુતા હતા ત્યારે તેમનું ગળુ દાબી હત્યા કર્યાની કબુલાત આપી હતી.
મિલન રાઠોડ અનેક હત્યાના ગુનામાં સંડોવાયો હોવાની શંકા સાથે એસઓજી પી.આઇ. કરમટાએ સમગ્ર રાજયમાં અનડીટેક હત્યાની વિગતો એકઠી કરી ઉંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેને મહુવાના લોયંગાની વૃધ્ધાની હત્યા કરી રૂ.૪૫ હજારની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાની અને મહુવાના દેગવડાના લીલીબેન ભાણાભાઇ બારૈયા નામની વૃધ્ધાની પાંચેક માસ પહેલાં હત્યા કરી રૂ.૨૫ હજારની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે.
મિલન ભકા રાઠોડે તળાજાના ધારડી ગામે પોતાના ગામની દિકરી સાસરે હતી તેના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કર્યાની તેમજ જેસર તાલુકાના કાત્રોડી ગામે ફઇબાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યારે સોનાના ઘરેણાની ચોરી કર્યાની કબુલાત આપી છે.
મિલન રાઠોડે પાંચ સ્થળે લૂંટ ચલાવી હત્યા કર્યાની અને બે સ્થળે ચોરી કરેલા મુદામાલ મહુવાના પ્રણવ વિનોદરાય મહેતા અને મિહીર નયન મહેતાને વેચાણ આપતો હોવાની કબુલાત આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી ત્રણેય પાસેથી રૂ.૨.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.