બહુમાળી ભવનમાં છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીઓનો દૌર શ‚ થયો છે. જયાં-ત્યાં અવ્યવસ્થા જોવા મળે છે તો અધિકારીઓ પણ સમયસર હાજર રહેતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. હાલ બહુમાળી ભવનમાં કુલ ૬૫ ઓફિસો છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. આ સાથે અરજદારો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ બધા વચ્ચે માત્ર એક જ લીફટ ચાલુ હોવાથી ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આમ તો બહુમાળી ભવનમાં અન્ય લીફટની સુવિધા છે પણ આ લીફટમાં ખુબ પાણી ભરાઈ ગયા હોવાથી બંધ હાલતમાં છે. જેના પરિણામે કર્મચારીઓ અને અરજદારોને ભારે મુશ્કેલી પડે છે. તેમાં પણ દિવ્યાંગ અરજદારોને ફરજીયાતપણે પગથીયા ચડવા પડે તેવી પરિસ્થિતિ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ઘણા કર્મચારીઓ તો લીફટ બંધ હોવાના કારણે ઓફિસે પણ જતા નથી. બહુમાળી ભવનના રેઢા તંત્રના કારણે અરજદારો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે ત્યારે હવે આ વ્યવસ્થા સુધારવાની જવાબદારી કોની છે તેવા પ્રશ્ર્નો પણ કરવામાં આવી રહ્યાં છે.
એક તરફ સ્વચ્છ ભારતની વાતો થાય છે તો બીજી તરફ બહુમાળી ભવન જેવી સરકારી કચેરીમાં જ ગંદકીના ઢગ દેખાય છે. બહુમાળી ભવનમાં કેટલાય સ્થળોએ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે તો બહાર પડેલા લાકડાઓને પણ માત્ર ઢાંકી દેવામાં આવ્યા છે. જેના પરિણામે માખી મચ્છરોનો ઉપદ્રવ વધવાની સંભાવના છે.