ભાદરવા સુદ પાંચમ એટલે કે આજે ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના  મંદિર ઉપર બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાથી 6 સળ દૂર તરણેતર ગામ આવેલું છે. આ ગામની સીમમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ભાદરવા મહિનાની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસનો મેળો ભરાય છે. આ મેળામાં દેશ-વિદેશના લોકો અહીંની સંસ્કૃતિના દર્શન કરવા આવે છે.

“તરણેતર” મુખ્યત્વે તરણેતરના મેળાથી વધારે પ્રખ્યાત છે. તરણેતરનું મૂળ નામ ત્રિનેત્રેશ્વર હતું. સમયાંતરે શબ્દો અપભ્રંશ થતાં તરણેતર થઈ ગયું. તરણેતર મંદિર ની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવાનાશ્વ ની:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠ ના સૂચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો જેનું નામ માંધાતા હતું. ત્રિનેત્રેશ્વર મંદિર માંધાતા એ બંધાયેલ હતું.

મહાભારત સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને અર્જુને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું હતું.

ત્રિનેત્રેશ્વર મંદિર ની બીજી એક રોચક કથા છે, અહીંયા ભગવાન વિષ્ણુએ 108 કમળ ના ફૂલ થી શિવલિંગની પૂજા કરી હતી. જ્યારે ભગવાન શંકરે તેમની પરીક્ષા લેવા માટે એક કમળ ફૂલ સંતાડી દીધું હતું, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની એક આંખ કાઢીને શિવલિંગ ઉપર ચઢાવી હતી જેથી ભગવાન શંકર પ્રસન્ન થઈને તે આંખને પોતાના કપાળ પર લગાવી હતી તેથી તે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે.

તરણેતરનું મંદિર 10 મી સદીનું હોવાની શક્યતા મંદિરની શૈલી જોતા લાગે છે. અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરના રાજા કરણસિંહજીએ ઇ.સ.1902 ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાની યાદમાં કરાવ્યો હતો.આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત,મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલા છે. જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. મંદિરની સામેની બાજુએ તળાવ છે. આ મંદિરની બાંધણી ખૂબ જૂની હોવાથી અને શિલ્પ કલાનો વારસો સચવાયેલો હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયેલ છે.

તરણેતરનો મેળો યૌવન, રૂપ, રંગ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્ય માટે જાણીતો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો વિશ્વવિખ્યાત છે. તરણેતરના મેળાની વિશેષતા એ છે કે સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200 જેટલા ભાઈ બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. તરણેતરના મેળાની ભાતીગળ છત્રીઓ ખૂબ પ્રખ્યાત છે જે જોવા લોકો દૂર દૂરથી આવે છે.

ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમી ના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિર ઉપર બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે. આ તરણેતર નાં લોક મેળા માં રાજ્ય સરકારે પશુ પ્રદર્શન યોજીને રાજ્યમાં પશુ પાલન વિભાગ દ્વારા 2008 નાં વર્ષથી મેળા માં પશુ પ્રદર્શન અને હરીફાઈ નો પ્રારંભ કર્યો છે. આ લોક મેળા માં સાચા અર્થમાં લોક સંસ્કૃતિ જીવંત રહે, લોક જીવન ધબકતું રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેક પ્રયાસો થયા છે. જેના કારણે આજે તરણેતરનો આ ભાતીગળ મેળો દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.