માંગરોળના ભાદ્રેચા ડેમનું ગાબડુ બુરવાની કામગીરી શરૂ થયા બાદ કોઈ કારણોસર છેલ્લા દસ,બાર દિવસથી બંધ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. અધુરા કામને પગલે ભારે વરસાદની સ્થિતિમાં ધુળનો પાળો પણ તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ ખાતે અધિક્ષક ઈજનેરે તાત્કાલિક કામ શરૂ કરવામાં નહીં આવે તો સખ્ત પગલાં લેવાની કોન્ટ્રાકટરને સ્પષ્ટ ચેતવણી આપી છે.
શેખપુર નજીક નોળી નદી પર સાત દાયકા પહેલા બાંધવામાં આવેલા ડેમમાં ગત વષેઁ ચોમાસામાં ગાબડુ પડયું હતું. શહેરને પાણી પુરુ પાડતા કુવાઓ પૈકી ત્રણ કુવા તેમજ ૪૨.૪૫ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ડેમને તાબડતોબ રિપેર કરવાની જરૂરીયાત ઊભી થઈ હતી. પરંતુ સરકારી તંત્રની મંથર ગતિને પગલે કાગળની કાયઁવાહીમાં સાત માસ જેટલો સમય પસાર થઈ ગયો હતો. દરમ્યાન હાલમાં ૨૧ મેના રોજ ૨૮ લાખના આ કામના ટેન્ડર ખુલ્યા હતા. ૧૯% ડાઉનમાં જેતપુરના અનિલભાઈ રેવરને કોન્ટ્રાકટ અપાયો હતો.
જો કે ચોમાસાને ઘણા દિવસો બાકી હોય, વરસાદ પહેલા ૨૫ મીટરનું ગાબડું બુરવાની કામગીરી પૂણઁ થઈ જશે તેમ જણાતું હતું. પરંતુ ચાલુ માસમાં અમુક દિવસો કામગીરી ચાલ્યા બાદ બારેક દિવસથી તેને બ્રેક લાગી ગઇ છે. જેની પાછળ રેતી તેમજ સાધનો, મશીનરી ન મળતા હોવાનો કોન્ટ્રાકટર દ્રારા કારણો આપવામાં આવતા હતા. જો કે તંત્રએ પણ પાણીના પ્રશ્નની ગંભીરતા પારખી કડક વલણ અપનાવ્યું છે.
હેવી ફલડની સ્થિતિમાં ડેમ નજીક ગત વષેઁ બાંધવામાં આવેલો ધુળનો પાળો પણ તુટી જાય તેવી પરિસ્થિતિ વચ્ચે આજે રાજકોટ ખાતે ક્ષાર પ્રવેશ નિવારણ વતુઁળના સુપ્રિ. એન્જિ. રાવે કોન્ટ્રાકટરને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા કડક શબ્દોમાં સુચના આપી છે. ત્યારે વરસાદ પહેલા આ કામ શરૂ થશે કે કેમ? શરૂ થશે તો પૂણઁ થશે? સહિતના સવાલો ઉદભવ્યા છે.