આ..લે..લે.. લોકડાઉનમાં પોલીસ બંદોબસ્તના છીંડા
માતાએ ઠપકો આપતા પિતરાઈ બહેનોએ ઘર છોડયું: જૂનાગઢ જવાનું કહેતા સેવાભાવી સંસ્થાએ કારમાં બેસાડી રાજકોટ પહોંચાડી: અભયમની ટીમ વ્હારે આવતા પરિવાર સાથે મિલન કરાવ્યું
કોરોના મહામારીએ વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોનાના પગલે દેશભરમાં સરકાર દ્વારા લોકડાઉન કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે કયાંકને કયાંક પોલીસના બંદોબસ્તમાં છીંડા હોવાથી લોકો તેનો લાભ ઉઠાવી એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. ભરૂચ જીલ્લાના નબીપુર ગામેથી બે તરૂણીઓ લોકડાઉન હોવા છતાં રાજકોટ પહોંચી જતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે.
રાજકોટમાં અભયમ ૧૮૧ની ટીમના કાઉન્સેલર રૂચિતા મકવાણા, મહિલા કોન્સ્ટેબલ સેજલબેન પરમાર અને ૧૮૧ વાનના પાયલોટ સુનિલભાઈ સહિતની ટીમે લોકડાઉનમાં પોતે ફરજ પર હતા ત્યારે ગઈ તા.૩ મેના રોજ સવારના સમયે બે તરૂણીઓ એકલી ઉભી હોય અને તેઓને મહિલા હેલ્પલાઈન અભયમ ૧૮૧ની મદદની જરૂર હોવાનું જણાવતા જાગૃત નાગરિકે ૧૮૧માં ફોન કરી જાણ કરતા ટીમ ઉપરોકત સ્થળે દોડી ગયા હતા. જાગૃત વ્યકિત દ્વારા કોલ આવેલ કે ૨ તરૂણી મળી આવેલ હોય આથી ૧૮૧ની ટીમ કાઉન્સેલિંગ કરેલ અને જાણવા મળેલ કે તેવો ગામ નંદુરબાર મહારાષ્ટ્રના રહેવાસી હોય અને તેવો હાલ નબીપુર ભરૂચ જિલ્લામાં તેમના ફેમિલી સાથે કામ કરવા માટે આવેલ હોય અને ઘરે માં સાથે ઝઘડો થતા ઘરે કોઈને કહ્યા વગર બંને તરૂણી ઘરેથી નીકળી ગયા હોય અને રાજકોટ આવી પહોંચેલ હતા. ૧૮૧ અભયમને જાણ કરાતા રાજકોટ અભયમની ટીમ દ્વારા બંને તરૂણીનો કબજો લઈ પુછપરછ માહિતી આપેલ હતી ત્યારબાદ બંનેને સંસ્થામાં લઈ જવાયા ત્યારબાદ ફરીથી બંને સાથે પરામર્શ કર્યો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ત્યાં પણ પરામર્શ કરતા ભરૂચ જિલ્લાનું જણાવતા પોલીસ અધિકારી દ્વારા ત્યાંની પોલીસ ટીમનો સંપર્ક કરી તેના પિતાને કોન્ટેકટ કર્યો હતો અને તેઓ બ્ંને તરૂણીને લેવા માટે આવવા જણાવેલ ત્યારબાદ બંને તરૂણીને ફરીથી સંસ્થામાં આશ્રય અપાવેલ અને તેના પિતા તેમને લેવા માટે સવારે આવી પહોંચતા અભયમ ૧૮૧ની ટીમ તથા એ ડિવિઝન પોલીસ સ્ટાફે બંને પિતરાઈ બહેનોનો કબજો તેના પિતાને સોંપ્યો હતો.
ફરી એકવાર ૧૮૧ની ટીમે ઘરેથી માતાએ ઠપકો આપતા ઘર છોડનાર બંને તરૂણીઓનો પરિવાર સાથે મિલન કરાવી ઉમદા કામગીરી કરી હતી પરંતુ બીજી તરફ દેશમાં ચાલતા લોકડાઉનમાં પોલીસ બંદોબસ્તમાં પણ છીંડા હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જીલ્લાના નબીપુર ગામથી બે તરૂણી ભાગીને ઘરેથી નીકળી ગયા બાદ તેઓએ જુનાગઢ જવાનું કહેતા કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બંને તરૂણીઓને ખાનગી કારમાં બેસાડી રાજકોટ સુધી પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવતા અને એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં બે તરૂણીઓ આસાનીથી પહોંચી જતા આશ્ર્ચર્ય સજાર્યું છે અને કયાંકને કયાંક લોકડાઉનમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સામે પણ પ્રશ્ર્નો ઉભા થયા છે.