વડોદરા, નવસારી અને ભરૂચ બાદ રવિકુમાર અરોરા દિલ્હીમાં પણ પોતાની નિષ્ઠાવાન કામગીરીની સુવાસ પ્રસરાવશે
પોતાની ત્વરીત અને સંવેદનશીલ કામગીરીથી જાણીતા બનેલા ભરૂચ જિલ્લાનાં કલેકટર રવિકુમાર અરોરાની વિદેશ પ્રધાન એસ. જયશંકરના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કેડરના આઈએએસ અધિકારીઓની દિલ્હીમાં બોલબાલા છે. છેલ્લા થોડાદિવસોમાં ગુજરાતનાં અનેક અધિકારીઓને પ્રમોશન સાથે દિલ્હી ખાતે ફરજ સોંપવામાં આવી રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના કલેકટર રવિકુમાર અરોરાની પણ વિદેશ પ્રધાન એસ. જયશંકરના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ‘અબતક’ સાથે પારિવારીક ધરોબો ધરાવતા રવિકુમાર ૨૦૦૬ની બેચના આઈ.એ.એસ. કેડરનાં અધિકારી છે. અગાઉ તેઓએ વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારીમાં કલેકટર સહિતના સ્થાનોએ કુશળતા પૂર્વક ફરજ બજાવી હતી. હાલ તેઓ ભરૂચ જિલ્લાનાં કલેક્ટર તરીકે પોતાની જવાબદારીઓનું નિષ્ઠાભેર વહન કરી રહ્યા હતા તેઓની કામગીરીની નોંધ લઈને સરકારે તેમને દિલ્હીનું તેડુ મોકલ્યું છે હવે તેઓ વિદેશ પ્રધાન એસ. જયશંકરનાં પ્રાઈવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે રવીકુમાર અરોરાની સ્મોક લેસ ચુલાની ઝુંબેશને ખુબ મોટી સફળતા મળી હતી. જેની સર્વત્ર નોંધ લેવાઈ હતી. રવિકુમાર અરોરા આવી જ રીતે પ્રગતિના શિખરો સર કરતા રહે અને દિલ્હીમાં પણ પોતાની નિષ્ઠાવાન કામગીરીની સુવાસથી અન્યને સતત પ્રેરણા પુરી પાડતા રહે તેવી ‘અબતક’ પરિવાર શુભેચ્છા પાઠવે છે.