આ વર્ષે અલ નીનો અસર અને વારંવાર આવેલી સિસ્ટમને કારણે શિયાળો હજુ જામ્યો નથી. જો કે 15 શહેરોનો તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે વાતાવરણમાં ફરી પલટો આવવાની વકી છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ ખાબક્યો છે. નર્મદાના રાજપીપળામાં, ભાવનગર તળાજાના ઝાંઝમેરમાં તેમજ ગીર-સોમનાથના ઘટવાડમાં કમોસમી વરસાદ રૂપી મુસીબત વરસી છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઇમાં કમોસમી વરસાદખાબક્યો હતો. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ, જાલત, છાપરી, ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી સહિત ગામોમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. તો આ તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.

ભાવનગરના તળાજાના ઝાંઝમેરમાં અને ગીર સોમનાથના ઘટવાડમાં માવઠું થતા રવિપાકને નુકશાનીની ભીતિ: મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ: ઉત્તરાયણ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી વકી

છોટાઉદેપુર નગર સહિત તેજગઢ, દેવહાંટ, ઝોઝ પંથકમાં વરસાદ નોંધાયો છે. કપાસ, મકાઈ, તુવેર, દિવેલા સહિતનાં પાકોને નુકસાની જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. તો મોડી રાત્રે વરસાદ વરસતા બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં જીનમા મુકેલ કપાસનો પાક પલળી ગયો છે.ઉત્તરાયણ બાદ તારીખ 17-18માં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. જેમાં અરબ સાગરનો ભેજ વધારે પડતો હશે અને બંગાળના ઉપસાગરનો ભેજ હશે તો અસર થશે. બાકી તારીખ 17,18, 19 અને 20માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે.

લગભગ તારીખ 24થી 27માં પુન: વાદળવાયું આવવાની શક્યતા રહેશે. એટલે વાદળ વારંવાર આવશે. વાદળ અને ક્યાંક છાંટા પડવાની શક્યતાને કારણે ઊભા કૃષિ પાકોમાં જીવાત પડવાની શક્યતા રહેશે. એટલે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લેવા ઇષ્ટ રહે. ઉત્તરાયણ ઉપર ઠંડા પવનોની અસર રહેશે. ત્યાર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતાં ઠંડી ઘટી જશે. જાણે ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવું જણાશે. ત્યાર બાદ આ મહિનાના અંતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરીમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વઘઘટ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.